Site icon Revoi.in

કોરોના: મધ્યપ્રદેશના આ ત્રણ શહેરોમાં 21મીએ લોકડાઉન

Social Share

ભોપાલ: મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1,140 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે,જે બતાવે છે કે, રાજ્યમાં એક વાર ફરી કોરોના પોતાનો કહેર વર્તાવી શકે છે.કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્ય સરકારે મધ્યપ્રદેશના ત્રણ મોટા શહેરોમાં ભોપાલ,ઇન્દોર અને જબલપુરમાં રવિવારે 21 માર્ચના રોજ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે.આ સાથે સરકારે નિર્ણય કર્યો છે કે, આ ત્રણ શહેરોમાં 31 માર્ચ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે.

સ્વાસ્થ્ય વિભાગ દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, મધ્યપ્રદેશમાં 24 કલાકમાં કોરોનાના 1,140 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. જે બાદ એમપીમાં કોરોનાથી અત્યાર સુધી પ્રભાવિત લોકોની સંખ્યા 2,73,096 પર પહોંચી ગઈ છે. ચિંતાનો વિષય એ છે કે, મૃતકોનો આંક પણ ફરી એકવાર વધવા લાગ્યો છે.24 કલાક દરમિયાન રાજ્યમાં 7 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે .

સૌથી ખરાબ હાલ ઇન્દોર અને ભોપાલમાં છે. શુક્રવારે જ્યાં ઇન્દોરમાં 309 નવા દર્દીઓ સામે આવ્યા છે,ત્યાં ભોપાલમાં 272 નવા દર્દીઓ મળી આવ્યા છે. આ બંને શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાગુ છે,પરંતુ તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી. કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ વધીને 6 હજાર 609 થઇ ગઈ છે.

સતત વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે પહેલેથી જ મહારાષ્ટ્રમાં આવતી બસો પર પ્રતિબંધ મૂક્યો છે. એવું માનવામાં આવે છે કે, જો આગામી 48 કલાકમાં સ્થિતિમાં સુધારો નહીં થાય તો સરકાર સંક્રમણની ગતિને રોકવા માટે વધુ કડક પગલા લઇ શકે છે.

-દેવાંશી