MP સરકારે વધુ એક શહેરનું નામ બદલ્યું, હવે આ નામથી ઓળખાશે નસરુલ્લાગંજ
- MP સરકારે વધુ એક શહેરનું નામ બદલ્યું
- નસરુલ્લાગંજનું નામ બદલી દેવામાં આવ્યું
- હવે આ જગ્યા ભૈરુંદા તરીકે ઓળખાશે
ભોપાલ :મધ્યપ્રદેશની શિવરાજ સરકારે વધુ એક શહેરનું નામ બદલી નાખ્યું છે. હવે ભોપાલને અડીને આવેલા સિહોર જિલ્લાના નસરુલ્લાગંજનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ જગ્યા ભૈરુંદા તરીકે ઓળખાશે. આ અંગે એમપી સરકાર દ્વારા એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.
શિવરાજ સરકારે સિહોર જિલ્લાના નસરુલ્લાગંજનું નામ બદલીને ભૈરુંડા કરી દીધું છે. રાજ્ય સરકારે તેનું ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. વાસ્તવમાં, શિવરાજ સરકારે નસરુલ્લાગંજનું નામ બદલીને ભૈરુંડા કરવાનો પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલ્યો હતો અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
નસરુલ્લાગંજ સીએમ શિવરાજના વિધાનસભા ક્ષેત્ર બુધની હેઠળ આવે છે અને થોડા સમય પહેલા શિવરાજ સિંહ ચૌહાણે નસરુલ્લાગંજમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેનું નામ બદલવાની જાહેરાત કરી હતી. આ પહેલા શિવરાજ સરકારે હોશંગાબાદ શહેરનું નામ બદલીને નર્મદાપુરમ અને ભોપાલના ઈસ્લામ નગરનું નામ બદલીને જગદીશપુર કરી દીધું છે.
આ વર્ષે મધ્યપ્રદેશમાં ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે જબલપુરના ડુમના એરપોર્ટનું નામ રાણી દુર્ગાવતીના નામ પર રાખવાનો પ્રસ્તાવ સરકાર દ્વારા કેન્દ્રને મોકલવામાં આવ્યો છે. ભોપાલના મિન્ટો હોલનું નામ પણ બદલીને કુશાભાઉ ઠાકરે કન્વેન્શન સેન્ટર કરવામાં આવ્યું છે.