અમદાવાદઃ નડિયાદ સ્થિત ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ સંકુલમાં સાંસદ ખેલ સ્પર્ધા 2023નો તા.૨૫ના રોજ સમાપન સમારંભ યોજાશે. આ સમાપન સમારંભમાં સાંસદ ખેલ સ્પર્ધા 2023ના પ્રાયોજક કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં સ્પર્ધાની વિવિધ રમતોના વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરાશે. આ પ્રસંગે ખેડા લોકસભાની તમામ વિધાનસભાના ધારાસભ્યો સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સમારંભમાં નેશનલ અને રાજ્યકક્ષાની રમતોમાં ભાગ લેનારા ખેડા જિલ્લાના ખેલાડીઓનું પણ સન્માન કરવામાં આવશે.
સાંસદ ખેલ સ્પર્ધામાં વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેંચ, લીંબુ ચમચી, કોથળા દોડ, કરાટે, સ્કેટિંગ જેવી સ્પર્ધાઓમાં અંદાજિત 10 હજાર જેટલા ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે નોંધપાત્ર બાબત છે. આજની નવી પેઢી ટીવી અને મોબાઈલમાંથી સમય લઈને રમત ગમતના મેદાન તરફ વળે એવા અભિગમ સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સહુ સાંસદોને પોતાના વિસ્તારમાં ખેલ સ્પર્ધાઓ યોજવા પ્રેરણા આપી હતી. જેના પગલે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ એ પોતાના લોકસભા વિસ્તારમાં સતત બીજા વર્ષે આ ખેલ સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું એટલું જ નહીં આ સ્પર્ધાઓ જ્યાં યોજાઈ ત્યાં રમતો પૂર્વે ખેલાડીઓ અને ઉપસ્થિત સૌને રાષ્ટ્રભાવના ઉજાગર કરતી નવતર પહેલના ભાગરૂપે ભારતના પ્રતિજ્ઞા પત્રનો પણ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણએ પઠન કરવા કરાવવા અપીલ કરી હતી. જેને સૌએ વ્યાપક પ્રતિભાવ આપ્યો હતો અને આ સ્પર્ધાના સંયોજકો પૈકી મનોજભાઈ ત્રિવેદી અને પ્રિતેશભાઈ પટેલે જણાવ્યું હતું.