અમદાવાદથી પોરબંદર વાયા જેતલસર સુધીની ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવા સાંસદની રેલમંત્રીને રજુઆત
પોરબંદરઃ જિલ્લાના અનેક લોકો અમદાવાદમાં રોજગાર-ધંધામાં સ્થાયી થયેલા છે. ઘેડ પંથકના પણ અનેક લોકો અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે વતનમાં આવવા માટે ઈન્ટરસિટી ટ્રેનની સુવિધા નથી. આથી અમદાવાદ-પોરબંદર વાયા જેતલસરની ઈન્ટરસિટી ટ્રેન સત્વરે શરૂ કરવા સાંસદ રમેશ ઘડકુએ રેલવે મંત્રીને રજુઆત કરી છે.
પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે કેન્દ્રીય રેલમંત્રીને પત્ર લખીને એવી રજુઆત કરી છે કે, પોરબંદરથી અમદાવાદ વાયા જેતલસર સુધી નવી સ્પેશ્યલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવે જેનાથી પોરબંદરના નાગરિકો, વેપારીઓ વગેરેને ખૂબ જ લાભ મળી શકે તેમ છે. તેમણે ભારત સરકારના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર પાઠવી વધુમાં જણાવ્યું હતું કે રેલ્વે મંત્રાલયે સલામતી સુધારણા માટે ઘણા પગલાં લીધા છે જેમાં રેલ્વે ટ્રેકનું મોટા પાયે નવીનીકરણ, વિદ્યુતીકરણ, અસરકારક ટ્રેક જાળવણી, સલામતીના પાસાઓનું કડક નિરીક્ષણ, મુસાફરોની સુવિધાઓ જેવી કે ખોરાક, સુરક્ષા કાર્યો વગેરેનો સમાવેશ થાય છે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સોમનાથ, જામનગર અને દેવ-ભૂમિ દ્વારકા જિલ્લાઓ ગુજરાતની પશ્ચિમ અને દક્ષિણ દિશામાં મોજૂદ છે. આ તમામ જિલ્લાઓમાંથી પોરબંદર એશિયાનો એકમાત્ર એવો જિલ્લો છે કે જેના મુસાફરોને અમદાવાદ પહોંચવા માટે દિવસ દરમિયાન એક પણ ટ્રેનની સુવિધા નથી. આ સુવિધા કોરોના રોગચાળા પહેલા કાર્યરત હતી અને તેના કારણે પોરબંદરની બહાર કામ અર્થે જતા અન્ય 20 લાખથી વધુ નાગરિકો અને વેપારીઓને તેનો લાભ મળતો હતો. આજે પણ તે લોકોને અમદાવાદ જવા માટે રેલની સુવિધા નથી.
આ ઉપરાંત સોમનાથથી અમદાવાદ જતી પેસેન્જર ટ્રેનમાં ટ્રાફિક વધુ હોવાથી મુસાફરોને જેતલસર જંકશનથી રાજકોટ વાયા અમદાવાદ જવા ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી જનતાની માંગને ધ્યાનમાં રાખીને પોરબંદરથી અમદાવાદ વાયા જેતલસર સુધીની નવી સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન વહેલી તકે શરૂ કરવા ભલામણ કરી હતી.