મિ. અટૉર્ની જનરલ, તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે?: તમિલનાડુના ગવર્નર પર ભડકયા CJI ચંદ્રચૂડ આપી ચેતવણી
નવી દિલ્હી: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આકરું વલણ અખત્યાર કર્યું છે. તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે અમે રાજ્યપાલના વ્યવહારથી ગંભીરપણે ચિંતિત છીએ. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે અટોર્ની જનરલને સવાલ કર્યો કે તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે. તેમે તેમને જઈને જણાવો કે અમે હવે કેટલીક ટીપ્પમીઓ કરવા જઈ રહ્યા છીએ. હકીકતમાં તમિલનાડુના રાજ્યપાલે કે. પોનમુડીને રાજ્યના કેબિનેટમાં ફરીથી મંત્રી નિયુક્ત કરવાનો ઈન્કાર કર્યો હતો. આ નિર્ણયની વિરુદ્ધ તમિલનાડુ સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ.
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજીને શુક્રવાર માટે યાદીબદ્ધ કરતા કેટલીક મહત્વની ટીપ્પણીઓ કરી છે. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે આખરી ચેતવણી આપતા સ્પષ્ટ કહ્યુ છે કે જો કાલ સુધીમાં રાજ્યપાલ કોઈ એક્શન નહીં લે, તો કોર્ટ તેમાં હસ્તક્ષેપ કરશે. કોર્ટે કહ્યું છે કે જ્યારે પોનમુડીની સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે, ત્યારે તમિલનાડુના રાજ્યપાલ તેમને શપથ લેવાની મંજૂરી કેમ આપી રહ્યા નથી.
લાઈવ લૉ મુજબ,સીજેઆઈ ચંદ્રચૂડે અટોર્ની જનરલ આર. વેંકટરમાનીને કહ્યુ છે કે મિસ્ટર એજી, અમે આ મામલામાં રાજ્યપાલના આચરણને લઈને ગંભીરપણે ચિંતિત છીએ. અમે તેને કોર્ટમાં ભારપૂર્વક કહેવા ઈચ્છતા ન હતા. પરંતુ હવે તમે અમને જોરથી કહેવા માટે મજબૂર કરી રહ્યા છો.આ પદ્ધતિ નથી. તે ભારતની સુપ્રીમ કોર્ટનો નાદર કરી રહ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોની ખંડપીઠે દોષસિદ્ધિ પર રોક લગાવી છે, તો રાજ્યપાલને અમને એ જણાવવાનો અધિકાર નથી કે આનાથી દોષસિદ્ધિ સમાપ્ત થતી નથી અને આ અસ્તિત્વહીન છે. આનો મતલબ છે કે જેમણે તેમને સલાહ આપી છે તેમને કાયદા મુજબ યોગ્ય પ્રકારની સલાહ આપી નથી.
મહત્વપૂર્ણ છે કે તમિલનાડુના રાજ્યપાલે પોનમુડીને એમ.કે. સ્ટાલિન સરકારની કેબિનેટમાં ફરીથી સામેલ કરવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે આને બંધારણીય નૈતિકતાની વિરુદ્ધ ગણાવ્યું હતું. તેની વિરુદ્ધ સ્ટાલિન સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે. મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં મિલ્કતના કેસમાં તેમને બરી કરવાનો નિર્ણય પલટીને પોનમુડીને ધારાસભ્ય તરીકે અયોગ્ય જાહેર કર્યા હતા. તેના પછી જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, તો પોનમુડીની દોષસિદ્ધિ અને બે વર્ષની જેલની સજા પર રોક લગાવવામાં આવી. તેના પછી તમિલનાડુ સરકારે ફરીથી તેમને મંત્રી પદ પર બહાલ કરવાની માગણી કરી હતી. પરંતુ રાજ્યપાલ આર. એન. રવિએ આનો ઈન્કાર કર્યો હતો.