વડોદરાની MS યુનિવર્સિટીનું નેકની ટીમે કર્યું ઈન્સ્પેક્શન, A’ ગ્રેડ મેળવવા માટેનો પ્રયાસ
વડોદરાઃ શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાં નેકની ટીમ ઈન્સ્પેક્શન માટે આવી છે. જેનું સ્વાગત વાઇસ ચાન્સેલર સહિતના યુનિવર્સિટીના પદાધિકારીઓ તેમજ વિદેશી વિદ્યાર્થીઓ અને NCCના કેડેટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની મુલાકાત લઇ ઇન્સ્પેક્શન શરૂ કરવામાં આવ્યું છે. યુનિર્વિટીએ નેકનો A’ ગ્રેડ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલની ટીમ ત્રણ દિવસની મુલાકાતે આવી પહોંચી હતી. આ ટીમનું યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પાંરપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લાલ જાજમ પાથરવામાં આવી હતી. NCCના કેડેટ્સ, સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા આ ટીમને આવકારવામાં આવી હતી. જ્યાર બાદ ટીમ દ્વારા કોમર્સ સહિતની વિવિધ ફેકલ્ટીની મુલાકાત શરૂ કરવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, નેકની ટીમ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની મુલાકાત લેશે અને પોતાનો રિપોર્ટ સબમિટ કરાવશે. આ ટીમ દર 5 વર્ષે વિઝિટ કરે છે. 2010માં યુનિવર્સિટીને B ગ્રેડ મળ્યો હતો. ત્યાર બાદ 2016માં સારી કામગીરીને કારણે યુનિવર્સિટીને A ગ્રેડ મળ્યો હતો. હવે વધુ સારો ગ્રેડ મેળવવા યુનિવર્સિટી રિસર્ચ પેપર્સ, પેટન્ટ્સ સહિતની વિગતનું નેકની ટીમ સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. આ માટે અગાઉ એક મોકડ્રીલ પણ કરાઇ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાની એમએસ યુનિ. એ દેશની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે. યુનિ.દ્વારા ઘણા સંશોધન પેપરો પણ તૈયાર કરાયા છે. રિસર્ચમાં પણ યુનિ, આગળ છે. જોકે કેટલાક વર્ષથી યુનિ.માં રાજકારણ પેસી જતાં યુનિના વહિવટમાં પણ તેની અસર પડી છે. હાલ યુનિ.ના સત્તાધિશો નેકનો એ ગ્રેડ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. NAACની ટીમ એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની મુલાકાતે છે ત્યારે તે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને વિવિધ ફેકલ્ટીના ડીન શૂટ-બૂટમાં સજ્જ જોવા મળ્યા હતા.