લઘુ ઉદ્યોગ ભારતી જેવી સંસ્થાઓ થકી MSME ગુજરાતનું ધબકતું મોડેલ સ્વરૂપ બન્યું છે: ઉદ્યોગ મંત્રી
અમદાવાદઃ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત દ્વારા પીરાણા અમદાવાદ ખાતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગપતિઓના એક દિવસીય ક્ષેત્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ 1994માં સ્થપાયેલ લઘુ ઉદ્યોગ ભારતી એ સૂક્ષ્મ નાના અને મધ્યમ કદના ઉદ્યોગો માટે કાર્યરત એકમાત્ર દેશવ્યાપી સંગઠન છે. ભારતના અનેક રાજ્યોમાં તેની સંસ્થાઓ છે સાથે જ તે દેશના કુલ 550 જિલ્લાઓમાં પણ કાર્યરત સંસ્થા છે અને સૂક્ષ્મ નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને વિકાસની ગતિએ વેગ આપવા કટિબદ્ધ સંસ્થા છે. જેની આપણે સૌ સરાહના કરીએ છીએ તેમ તેઓ જણાવ્યું હતું.
લઘુ ઉદ્યોગ ભારતીએ દેશભરમાં 40 હજારથી પણ વધુ વ્યક્તિગત સભ્યો સાથેનું સૌથી મોટું રાષ્ટ્રીય ઔદ્યોગિક સંગઠન છે. જે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત છે તેમ તેઓએ ઉમેર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગો સાથે સંકળાયેલા સમુદાયનું હિત સાચવવા અને ઉદ્યોગો થકી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવાની ભાવનાથી સ્થાનિક ઔદ્યોગિક સંગઠનોની સાથે તાલમેલ મેળવીને તથા રાષ્ટ્રીય કક્ષાએ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું કાર્ય કરતી આ સંસ્થાએ અનેક સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોને વિકાસની ટોચે પહોંચાડ્યા છે સાથે જ અનેક લોકોને ઔદ્યોગિક ક્ષેત્રે માહિતી પૂરી પાડી પ્રોત્સાહિત કર્યા છે જેના થકી આજે ગુજરાતના ઉદ્યોગો બહોળા પ્રમાણમાં વિકસ્યા છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી હતી ત્યારથી લઈ અત્યાર સુધીમાં કુલ 9 વાઇબ્રન્ટ ગુજરાત યોજાઈ છે જેના થકી આજે ગુજરાત દેશમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસના મોડલ તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે પથ નિર્ધારિત કરી વિકાસની ગતિને વેગ આપ્યો છે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ તેમના જ સફળ નેતૃત્વ હેઠળ આગળ વધી રહી છે. સાથે સાથે ગુજરાતની સંસ્કૃતિને ગુજરાતના ઉદ્યોગો સાથે જોડી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ગુજરાતને વિકાસના મોડેલ તરીકે રજૂ કરી રહ્યા છે. તેમ તેઓએ ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા નાના મોટા ઉદ્યોગોને વધુ વેગ આપવા માટે બજેટ-2023માં કુલ 1500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જેના થકી સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એમ તમામ ઉદ્યોગોને વધુ વિકસિત કરી શકાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે દેશમાં57% જેટલી નિકાસ માત્ર ગુજરાત માંથી થાય છે, સાથો સાથ બંદરો અને દરિયાઈ માર્ગોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે જેથી ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે વિકાસની ગતિને વેગ આપી શકાય.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લઘુ ઉદ્યોગ ભારતી જેવી સંસ્થાઓ થકી MSME ગુજરાતનું ધબકતું મોડલ બન્યું છે. સાથે જ આવા ઉદ્યોગો થકી ભારતે વિશ્વમાં સિદ્ધિ હાંસલ કરી છે જેથી આ વર્ષે G -20નું પ્રમુખ સ્થાન ભારતની સોંપવામાં આવ્યું છે આ આપણા સૌની ઉપલબ્ધિ છે જે નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ પરિપૂર્ણ થઈ છે તેમ તેઓએ જણાવ્યું હતું. અંતે તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર ઉદ્યોગોને વધુ સાર્થક બનાવવા પ્રયત્નશીલ છે, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતને સફળ બનાવવાની કામગીરી સાથે આપણે સૌ આગળ વધીએ અને વિકાસની ગતિને વેગ આપીએ.
આ કાર્યક્રમમાં પૂજ્ય સંત શ્રી જ્ઞાનેશ્વરદાસ મહારાજ, લઘુ ઉદ્યોગ ભારતીના પ્રેસિડન્ટ બળદેવભાઈ પ્રજાપતિ, ઓલ ઇન્ડિયા લઘુ ભારતી ઉદ્યોગના સેક્રેટરી પ્રકાશ ચંદ્ર ગુપ્તા, લઘુ ભારતી ઉદ્યોગના સેક્રેટરી ઘનશ્યામભાઈ ઓઝા, તેમજ લઘુ ભારતી ઉદ્યોગ ગુજરાતના સેક્રેટરી ઈશ્વરભાઈ સજ્જન, શ્યામ સુંદર સલુજા અને અન્ય મહાનુભાવ તથા ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.