- મુકેશ અંબાણી તથા તેમના પરિવારને મળી Z પ્લસ સુરક્ષા
- ભારત સહીત વિદેશમાં સુરક્ષા પ્રદાન કરવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ
દિલ્હી- ભારતના જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીની સુરક્ષા વધારવામાં આવી છે, સુપ્રિમકોર્ટે તેમને આ સુરક્ષા પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે,સુપ્રિમ કોર્ટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને ઉચ્ચતમ સ્તરનું Z+ સુરક્ષા કવચ પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો છે.
માત્ર ભારતમાં જ નહી તેમને આ સુરક્ષા કવચ દેશ અને વિદેશમાં આપવામાં આવશે. કોર્ટે કહ્યું કે ભારતમાં અથવા વિદેશમાં ઉચ્ચતમ સ્તરનું Z+ સુરક્ષા કવચ પ્રદાન કરવાનો સમગ્ર ખર્ચ તેઓ ઉઠાવશે.
આ મામલે વિતેલા દિવસને મંગળવારના રોજ જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે કહ્યું કે જ્યારે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભારતની અંદર હોય ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલયનું છે. જ્યારે તેઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે ગૃહ મંત્રાલય સુનિશ્ચિત કરશે.
વિતેલા વર્ષે જ સુપ્રીમ કોર્ટે ત્રિપુરાના એક વ્યક્તિની અરજીનો નિકાલ કર્યો હતો જેણે આ સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. પરંતુ તે જ અરજદારે સ્પષ્ટતા માંગી હતી કે શું અંબાણી પરિવારની આ સુરક્ષા માત્ર મહારાષ્ટ્ર સુધી મર્યાદિત છે કે તેની બહાર પણ આ સુરક્ષા મળશે.અંબાણી પરિવારને આપવામાં આવતી સુરક્ષાનો મુદ્દો દેશના વિવિધ ભાગોમાં મુકદ્દમાનો વિષય છે તે નોંધીને, બેન્ચે વિવાદોને શાંત પાડવા માટે વર્તમાન આદેશ પસાર કર્યો.
ખંડપીઠે આ આદેશ વિકાસ સાહા નામની વ્યક્તિ વતી દાખલ કરેલી અરજીમાં આપ્યો હતો.કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકારે ગયા વર્ષે જ કોર્ટને કહ્યું હતું કે મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષાને ખતરો હોવા અંગે ગુપ્તચર એજન્સીઓનો રિપોર્ટ છે. અંબાણી પરિવાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ એમ પણ કહ્યું હતું કે તેઓ દેશની આર્થિક સ્થિરતાને અસર કરવાનો ઇરાદો ધરાવતા લોકોથી તેમને વિશ્વભરમાં ખતરો છે.
સુપ્રીમ કોર્ટે સરકારને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવેલી 22 જુલાઈ 2022 ના રોજ, સુરક્ષા જાળવવાની મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટે ત્રિપુરા હાઈકોર્ટના તે આદેશને રદ કર્યો હતો જેમાં આ સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટના આદેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સક્ષમ અધિકારીને હાજર થઈને અંબાણી પરિવારને સુરક્ષા આપવાની જરૂરિયાત અંગે સ્પષ્ટતા આપવા કહેવામાં આવ્યું હતું.