મુકેશ અંબાણીએ રિલાયન્સ જિયોના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું,આકાશ અંબાણીની ચેરમેન તરીકે નિમણૂક
- આકાશ અંબાણી બન્યા રિલાયન્સ જિયોના ચેરમેન
- મુકેશ અંબાણીએ ડાયરેક્ટર પદેથી આપ્યું રાજીનામું
- Jioના MD તરીકે પંકજ મોહન પવારની નિમણૂક
મુંબઈ:આકાશ અંબાણીને રિલાયન્સ જિયોના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રિલાયન્સ જિયોની બોર્ડ મીટિંગમાં આજે આ નિર્ણયને લીલી ઝંડી આપવામાં આવી હતી.બોર્ડે આકાશ અંબાણીની અધ્યક્ષ તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે.તે જ સમયે, મુકેશ અંબાણીએ કંપનીના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે, જે 27 જૂનથી લાગુ થઈ ગયું છે.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના વડા મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી 2014માં Jioના બોર્ડમાં જોડાયા હતા. Jio એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ શાખા છે.
આ સિવાય બોર્ડે રામિન્દર સિંહ ગુજરાલ અને કેવી ચૌધરીની વધારાના ડિરેક્ટર તરીકે નિમણૂકને પણ મંજૂરી આપી હતી. આ બંનેને 5 વર્ષ માટે સ્વતંત્ર ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એ જ રીતે, બોર્ડે રિલાયન્સ જિયોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે પંકજ મોહન પવારની નિમણૂકને પણ મંજૂરી આપી હતી.આ નિમણૂક 27 જૂન, 2022 થી આગામી 5 વર્ષ માટે પણ છે. આ નિમણૂંકોને શેરધારકો દ્વારા મંજૂર કરવાની બાકી છે
પિતા ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ મોટા ભાઈ મુકેશ અંબાણીએ 2002માં રિલાયન્સના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી.તેમના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંત રિલાયન્સના ટેલિકોમ, રિટેલ અને એનર્જી બિઝનેસ સાથે સંકળાયેલા છે.મુકેશ અંબાણીએ એકવાર તેમના બાળકો વિશે કહ્યું હતું કે, ‘મને કોઈ શંકા નથી કે આકાશ, ઈશા અને અનંત, ત્રણેય રિલાયન્સને આવનારી પેઢીના લીડર બનીને વધુ ઊંચાઈએ લઈ જશે.’