વારાણસી:માફિયા ડોન મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વાસ્તવમાં, આજે વારાણસીની સાંસદ/ધારાસભ્ય અદાલતે બહુચર્ચિચ અવધેશ રાયની હત્યા કેસ પર પોતાનો ચુકાદો આપ્યો છે. સવારથી જ સૌની નજર કોર્ટના નિર્ણય પર ટકેલી હતી. કોંગ્રેસ નેતા અવધેશ રાયની 3 ઓગસ્ટ, 1991ના રોજ હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ બાહુબલી મુખ્તાર અંસારી અને તેના સાગરિતો પર લગાવવામાં આવ્યો હતો.
અવધેશ રાય હત્યા કેસમાં વારાણસીની સાંસદ-ધારાસભ્ય કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. કોંગ્રેસ નેતા અજય રાયના ભાઈ અવધેશ રાય હતા. કોર્ટનો આ નિર્ણય 32 વર્ષ બાદ આવ્યો છે. અવધેશ રાયની ચેતગંજ પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂર બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી.
અવધેશ રાય હત્યા કેસમાં આ નિર્ણય MP-ML કોર્ટના જજ અવનીશ ગૌતમે આપ્યો છે. આ પહેલા 22 મેના રોજ અંસારી આ કેસમાં બાંદા જેલમાંથી વર્ચ્યુઅલ હાજર થયો હતો, ત્યારબાદ જજે ચુકાદો અનામત રાખ્યો હતો. બદમાશોએ 3 ઓગસ્ટ 1991ના રોજ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. ત્યારબાદ અવધેશના ભાઈ અજય રાયે પાંચ લોકોને આરોપી બનાવ્યા, જેમાં એક મુખ્તાર પણ સામેલ હતો.
અજય રાયે વારાણસીના ચેતગંજ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ હત્યા કેસમાં મુખ્તાર ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામનું નામ પણ સામે આવ્યું હતું. આ સાથે પોલીસે ભીમ સિંહ અને રાકેશને પણ આરોપી બનાવ્યા હતા. આ એક હાઈપ્રોફાઈલ કેસ હતો, જેના કારણે તત્કાલીન સરકારે સીબીસીઆઈડીને તપાસ સોંપી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે જે દિવસે અવધેશની હત્યા થઈ તે દિવસે શહેરમાં વરસાદ પડી રહ્યો હતો. હળવો વરસાદ વરસી રહ્યો હતો. ઘરની સામે અવધેશ રાય અને તેનો ભાઈ અજય રાય વાત કરી રહ્યા હતા. ત્યારે અચાનક ઘરની સામે એક મારુતિ આવી.બંને ભાઈઓ કંઈક સમજી શકે ત્યાં સુધીમાં કારમાંથી ઉતરેલા બદમાશોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં અવધેશ રાય ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેને તાત્કાલિક શહેરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, ડોકટરો તેનો જીવ બચાવી શક્યા ન હતા અને તેનું મૃત્યુ થયું હતું.