સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રવિ સીઝનમાં ખેડુતો સિંચાઈ માટે બોર-કૂવા અને કેનાલ દ્વારા પાણી મેળવી રહ્યા છે. જેમાં મૂળી તાલુકાના ખેડુતો સૌની યાજના દ્વારા સિંચાઈનું પાણી ન મળતાં મુશ્કેલીમાં મુકાયા છે. સૌની યોજનાનું પાણી ન મળતા ખેડૂતોનો ઉભો પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ કરેલી બે ત્રણ મહિનાની મહેનત પાણીમાં જાય તેમ છે. ખેડુતોએ ત્વરિત પાણી આપવાની રજુઆતો કરી છે. પણ સૌની યોજનાના અધિકારીઓ એવો જવાબ આપી રહ્યા છે. કે, અમને ઉપરથી આદેશ મળશે તો જ અમે પાણી ચાલુ કરીશું.
સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ગામોમા સૌની યોજના થકી નર્મદાના નીરથી તળાવ અને ચેકડેમ ભરવામાં આવ્યા હતા અને ખેડૂતોએ રવિપાકમા જીરું અને વરીયાળીનું મોટા પ્રમાણમા વાવેતર કર્યુ હતું. ત્યારે સૌની યોજનાના અધિકારી દ્વારા અચાનક પાણી બંધ કરી દેતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતો ફકત એક વખત જ પાણી આપવા માટે રજુઆત કરવા સુરેન્દ્રનગર જિલ્લા ઓફિસ ખાતે ઉમટી પડ્યા હતા. જે તે સમયે અધિકારીઓએ બાયંધરી આપી હતી ગત.તા 24 ડીસેમ્બરના મુળીના વડધ્રા ગામે લડત રણનીતિ ઘડવા ખેડૂતોનું વિશાળ સંમેલન યોજાયુ હતુ. જેમાં અંદાજે વીસ જેટલાં ગામના ખેડૂતો હાજર રહ્યાં હતા. રજુઆતો બાદ આજદિન સુધી પાણી ન આપવાથી જીરુંનો પાક રીતસર સુકાઈ રહ્યો છે.
દુધઈના ખેડૂતોના કહેવા મુજબ સૌની યોજનાથી તળાવ ભર્યા હતા એટલે રવિપાકમા જીરુંનું વાવેતર કરેલું હતુ. હવે ફકત એક પાણી પિયત માટે જરૂર હતું, પરંતુ રાજકીય નેતાઓ અને અધિકારીઓની મનમાની અને હુંસાતુસીના કારણે વાલ્વ બંધ કરવામાં આવતા અને પાણી ન હોવાના કારણે જીરુંનો પાક સુકાઈ જવા પામ્યો હતો. ખેડુતોએ બિયારણ રૂ. 18 હજારના ભાવે એકમણ ખરીદી કરી હતી. સાથે રાસાયણિક ખાતર મજુરી અને રાસાયણિક દવાઓ સાથે ટ્રેકટર ડીઝલ સહિતનો ખર્ચ વધારાનો કરવો પડ્યો છે. પાણીના અભાવે જીરૂનો પાક સુકાઈ રહ્યો છે.