અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કેસમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો હળવા કર્યા છે. હવે માત્ર 18 શહેરોમાં જ રાત્રે 10થી કરફ્યુનો અમલ ચાલુ રાખ્યો છે. સરકારે બાગ-બગીચા, જીમ અને મલ્ટિપ્લેક્સ સહિત સિનેમા ગૃહ ખોલવાની પણ મંજુરી આપી છે.પરંતુ 2 મહિના કરતાં વધુ સમય થિયેટર બંધ રહ્યાં હોવાથી અચાનક જ શરૂ કરી શકાય એમ નથી, જેથી અમદાવાદમાં તમામ વ્યવસ્થા સાથે જુલાઈ મહિનામાં પ્રથમ સપ્તાહમાં થિયેટર શરૂ કરવામાં આવશે.
રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકાર દ્વારા 27 જુલાઈથી 50 ટકાની કેપેસિટી સાથે થિયેટર શરૂ કરવા મંજૂરી આપી છે. છેલ્લા બે મહિના કરતાં વધુ સમય થિયેટરો બંધ રહ્યા હતા, જેને કારણે મોટા ભાગના થિયેટરોમાં સ્ટાફ નથી, સાફસફાઈ બાકી છે, ટેક્નિકલ સમસ્યા છે. આ તમામ વ્યવસ્થા ફરીથી ઊભી કરીને થિયેટર શરૂ કરવામાં આવશે. તમામ સુવિધા ઊભી થાય એ બાદ જુલાઈના પ્રથમ સપ્તાહમાં થિયેટર તમામ ગાઈડલાઇન્સ પાલન સાથે શરૂ કરવામાં આવશે, એવો નિર્ણય મલ્ટિપ્લેક્સ એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મલ્ટિપ્લેક્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે બે મહિના બાદ સરકાર દ્વારા થિયેટર ફરીથી શરૂ કરવા મંજૂરી આપવા આવી છે. 27 જૂનથી થિયેટર શરૂ કરવાની પરવાનગી મળી છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં તાત્કાલિક કોઈ થિયેટર ખોલી શકાય તેમ નથી. સોમવારે ગુજરાતી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર સાથે બેઠક કરીશું, એ બાદ તમામ વ્યવસ્થા સાથે થિયેટર ખોલીશું. થિયેટર ખોલ્યા બાદ શરૂઆતનાં 2 અઠવાડિયાં ગુજરાતી અને ઈંગ્લિશ ફિલ્મ જ ચાલુ કરવામાં આવશે. 15 જુલાઈ બાદ હિન્દી ફિલ્મ આવશે ત્યારે ચાલુ કરાશે. સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે બે વર્ષમાં મલ્ટિપ્લેક્સ, થિયેટરોને અંદાજે રૂ.2થી 3 હજાર કરોડનું નુકસાન થયું છે હાલ મલ્ટિપ્લેક્સ શરૂ થશે કે કેમ એ અંગે અસમંજસ છે. હાલ જૂનાં મૂવી બતાવવા પડે એવી સ્થિતિ હોવાથી પ્રેક્ષકો આવશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. આ રવિવારે તો કોઈ થિયેટર શરૂ થવાનું નથી અને થશે તો એ પણ જુલાઈના પહેલા અથવા બીજા વીકથી શરૂ થશે.