મુંબઈઃ એલઆઈસી ઓફિસમાં ભીષણ આગ, જાનહાની ટળી
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલા એલઆઈસીની કચેરીમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગમાં કેટલાક દસ્તાવેજો સળગી ગયાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલી એલઆઈસી ઓફિસમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવ્યો હતો. બિલ્ડીંગના બીજા માળે આગ લાગી હતી. તેમજ બીજા માળના કોમન પેસેજમાં ધુમાડો જોવા મળ્યો હતો. સવારે જ્યારે આગ લાગી ત્યારે બિલ્ડીંગમાં કોઈ નહીં હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. એલઆઈસી ઓફિસમાં લાગેલી આગમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ બળીને રાખ થઈ ગયાનું જાણવા મળે છે.