મુંબઈમાં 800થી વધારે વૃક્ષો કાપવા મામલે દેખાવો, શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીની અટકાયત-કલમ 144 કરાઈ લાગુ
- અત્યાર સુધીમાં 800થી વધારે વૃક્ષો કપાઈ ચુક્યા છે
- ક્ષેત્રમાં 3 કિલોમીટરની રેડિયસ સીલ કરવામાં આવી
- 100થી વધારે પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી
- ક્ષેત્રમાં લાગુ કરવામાં આવી કલમ-144
- દેખાવો કરતા 20 લોકોની કરાઈ અટકાયત
બોમ્બે હાઈકોર્ટે મુંબઈની આરે કોલોનીને જંગલ ઘોષિત કરનારી તમામ અરજીઓને નામંજૂર કરી છે. હાઈકોર્ટના ચુકાદા બાદ આરે કોલોનીમાં શુક્રવારે મોડી રાત્રે વૃક્ષો કાપવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું. તેના વિરોધમાં ઘણાં દેખાવકારો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મેટ્રો રેલવે સાઈટ પર ખૂબ સૂત્રોચ્ચાર પણ થયો. આ ઘટનાક્રમ વચ્ચે પોલીસે આરે કોલોની તરફથી તમામ સડકો પર બેરિકેડ લગાવી દીધા છે.
સૂત્રો પ્રમાણે, 800થી વધારે વૃક્ષો કપાય ચુક્યા છે. વૃક્ષો કાપવા માટે અન્ય મશીનો પણ સાઈટ પર મંગાવવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. વિસ્તારના ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં કોઈને પણ જવાની મંજૂરી નથી. શુક્રવારે રાત્રે 100થી વધારે લોકોને પોલીસે કસ્ટડીમાં પણ લીધા છે. મીડિયાને પણ અંદર જવાની મંજૂરી આપવામાં આવી નથી. દેખાવકારોએ મેટ્રોલ રેલવે સાઈટ પર ખૂબ સૂત્રોચ્ચાર કર્યો છે. આ દરમિયાન પોલીસની સાથે લોકોનું ઘર્ષણ પણ થયું છે.
આ તમામ હંગામા વચ્ચે શનિવારે આરેમાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. લોકોને વિસ્તારમાં એકઠા થવા દેવાય રહ્યા નથી. મુંબઈ પોલીસે મામલામાં એફઆઈઆર પણ નોંધાવી છે. આઈપીસીની કલમ-353 અને અન્ય કલમો હેઠળ મામલા નોંધવામાં આવ્યા છે. 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમની આજે કોર્ટમાં પેશી થશે.
આ બબાલની વચ્ચે શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. તેમણે ટ્વિટ કરીને આરે જવાની વાત કહી હતી. અન્ય ટ્વિટમાં તેમણે લખ્યું છે કે મને પોલીસે બળજબરીથી બહાર કાઢી. મે કોઈ કાયદો તોડયો નથી.
આ વચ્ચે વૃક્ષ કાપવા પર ઘણી મશહૂર હસ્તીઓએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને વિરોધ દર્શાવ્યો અને તેની સાથે જ ઈશારામાં કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યુ કે જો આ પ્રકારે જંગલ કાપવામાં આવી રહ્યા છે, તો પ્લાસ્ટિક પ્રદૂષણ પર બોલવાનો કોઈ ફાયદો નથી.
સ્વરાજ ઈન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે પણ ટ્વિટ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે આવા સમયમાં જ્યારે જળવાયુ સંકટ સ્પષ્ટ દેખાય રહ્યું છે. મહારાષ્ટ્ર સરકાર વૃક્ષો ધ્વસ્ત કરવા પર જોર આપી રહ્યા છે. આ ઘણી જ ચિંતાજનક વાત છે. એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ ટ્વિટ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. શિવસેનાના નેતા સંજય રાઉતે પણ એક કાર્ટૂન ટ્વિટ કરીને આનો વિરોધ વ્યક્ત કર્યો છે.
આરેમાં 2600થી વધારે વૃક્ષોના કાપીને મેટ્રો કાર શેડ બનાવવાની વિરુદ્ધ લોકો વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. એમએમઆરસીએલનું કહેવું છે કે તેમની પાસે વૃક્ષો કાપવાની મંજૂરી છે. તો દેખાવકારોનું કહેવું છે કે એમએમઆરસીએલ આ વૃક્ષો ત્યારે કાપી શકે છે, જ્યારે પરમિશનને મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર અપલોડ થવાના 15 દિવસ વીતી ચુક્યા હોય.