- એક હોસ્પિટલ દ્વારા કરાયો સર્વે
- સર્વેમાં આવ્યાં ચોંકાવનારા તથ્યો
મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો દોઢ વર્ષથી કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોના મહામારીને પગલે લોકડાઉન સહિતના આકરા પગલા લેવાયાં હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. પરંતુ કોરોના મહામારીને પગલે અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. દરમિયાન દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોવિડ-19ની મહામારીને પગલે 25 ટકા લોકો ડિપ્રેશનનો શિકાર બન્યાં હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે. એટલું જ 26 ટકા લોકો ભવિષ્યને લઈને ચિંતિત બન્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈની એક હોસ્પિટલના મનોરોગ વિશેષજ્ઞો દ્વારા એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 518 જેટલા લોકોએ ભાગ લીધો હતો. ચાલુ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી અનેક લોકો માનસિક સમસ્યાનો સામનો કરતા હોવાનું સામે આવ્યું છે. 25 ટકા લોકો ડિપ્રેશનમાં હોવાનું સામે આવ્યું છે. જયારે 20 ટકા એન્જાયટીમાંથી પસાર થયા છે. વિશેષજ્ઞો જણાવે છે કે સંક્રમણ બાદ કેટલાકના મગજમાં મૂડ અને ઉંઘને નિયંત્રીત કરનાર હોર્મોન ‘સિરોટોનિન’ની માત્રા ઓછી થઈ રહી છે, જેથી લોકો ડિપ્રેસન અને એન્જાયટીના શિકાર થઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. હજુ પણ નિયંત્રણો હેઠળ વેપાર-ધંધા ચાલી રહ્યાં છે. જેથી નાના વેપારીઓ અને નોકરીયાત વર્ગ ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.
(PHOTO-FILE)