મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા ભારતમાં પ્રત્યાર્પણ સામે યુએસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
નવી દિલ્હીઃ મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાએ હવે ભારતને પ્રત્યાર્પણ વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાએ નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હાર્યા બાદ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. 2008ના મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે ભારતે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી છે. રાણાએ અગાઉ સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તે ત્યાં પણ સફળ થયો ન હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર, 23 સપ્ટેમ્બરે સર્કિટ કોર્ટે રાણાની અરજી ફગાવી દીધી હતી જેમાં તેણે અન્ય કોર્ટના નિર્ણયો પર સ્ટે માંગ્યો હતો. આ અદાલતોના નિર્ણયો રાણાના ભારત પ્રત્યાર્પણની તરફેણમાં હતા. ત્યારબાદ, 13 નવેમ્બરના રોજ, રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી, જેમાં તેણે તે જ દલીલ કરી જે તેણે અગાઉ નીચલી અદાલતોમાં કરી હતી કે તેને શિકાગોની ફેડરલ કોર્ટે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો. છે.
રાણાએ કહ્યું કે જો કાયદાકીય પ્રક્રિયાના અમુક નિયમો લાગુ કરવામાં આવે તો તેને ભારત મોકલી શકાય છે. જ્યાં તેના પર સમાન આરોપો પર કેસ ચલાવવામાં આવી શકે છે અને સજાનો સામનો કરી શકે છે, જેમાં મૃત્યુદંડ શામેલ હોઈ શકે છે.
આતંકવાદી રાણા પર મુંબઈ હુમલામાં મહત્વની ભૂમિકા ભજવવાનો આરોપ છે. તે હુમલાના મુખ્ય કાવતરાખોર પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સહયોગી હતો. આ હુમલામાં કુલ 166 લોકો માર્યા ગયા હતા. જેમાં છ અમેરિકન નાગરિકો પણ સામેલ હતા. દસ પાકિસ્તાની આતંકવાદીઓએ 60 કલાકથી વધુ સમય સુધી મુંબઈમાં વિવિધ મુખ્ય સ્થળો પર આતંક મચાવ્યો હતો.