મુંબઈઃ કોરોના રસીના બોગસ સર્ટીફિકેટ બનાવવાના રેકેટનો પ્રર્દાફાશ, બેની ધરપકડ
મુંબઈઃ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થતા રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. બીજી તરફ અનેક વ્યવસાય સ્થળો ઉપર લોકોને રસીકરણ સર્ટીફિકેટ વિના પ્રવેશ આપવામાં આવતો નથી. જેનો કેટલાક ભેજાબાજો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. મુંબઈમાં કોરોના રસીકરણના નકલી પ્રમાણપત્રો બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લેવામાં આવ્યાં છે. આ ગેંગ બોગસ પ્રમાણપત્ર માટે વ્યક્તિ દીઠ રૂ. 1500 પડાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં વધારે ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે ગોરેગાંવ પશ્ચિમ વિસ્તારમાં કેટલાક યુવકો કોરોના રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો બનાવવાનું કામ કરી રહ્યા છે. આ ટોળકી કોરોના રસીના બંને ડોઝના નકલી પ્રમાણપત્રો બનાવવાના નામે લોકોને છેતરતી હતી. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે BMCની ટીમ સાથે ગોરેગાંવ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસે બે આરોપીઓને સ્થળ પરથી ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી બનાવટી સર્ટીફિકેટ પણ જપ્ત કર્યાં હતા. ટોળકીએ 70થી વધારે લોકોને રસીકરણના નકલી પ્રમાણપત્ર આપ્યું હોવાનું સામે આવ્યું છે.
મુંબઈ પોલીસે રસીના નકલી પ્રમાણપત્રો મુદ્દે ગુનો નોંધીને બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. આરોપીઓની તપાસમાં અન્ય ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.