મુંબઈઃ જાણીતા ઉદ્યોગપતિ સાયરસ મીસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં અવસાન થયા બાદ પોલીસ તંત્ર વધારે સાબદુ બન્યું છે, તેમજ ફરીથી આવી કોઈ ઘટના ન બને તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન મુંબઈ પોલીસે શહેરમાં મોટરકાર ચલાવનાર ડ્રાઈવરો તથા તમામ સહ-પ્રવાસીઓ માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નિયમનો અમલ આવતી 1લી નવેમ્બરથી કરવામાં આવશે. સીટબેલ્ટના નિયમનું પાલન નહીં કરનાર વાહન ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, મોટર વેહિકલ્સ (સુધારિત) કાયદા, અંતર્ગત જે કોઈ વ્યક્તિ સેફટી બેલ્ટ પહેર્યા વિના કોઈ મોટર વાહન ચલાવશે કે એની સાથે બેઠેલાં પ્રવાસીઓ સીટ બેલ્ટ નહીં પહેરે તો તેઓ શિક્ષાને પાત્ર ગણાશે. હવે આગામી 1લી નવેમ્બરથી પ્રવાસ કરતી વખતે ડ્રાઈવરો અને તમામ સહ-પ્રવાસીઓ માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત રહેશે. કારમાં પાછળની સીટ પર બેસનારાઓ માટે પણ સીટ બેલ્ટ પહેરવાનું મહત્ત્વનું છે, કારણ કે અકસ્માત થાય તો આગળની સીટના પાછળના ભાગ સાથે એમનું માથું ભટકાય તો એમને માથા-મગજમાં ગંભીર ઈજા પહોંચી શકે છે. ક્યારેક એવી ઈજા જીવલેણ પણ નિવડી શકે છે.