- મુસાફરો હવે મુંબઈ લોકલમાં કરી શકશે મુસાફરી
- સોમવારથી શરૂ થશે મુંબઈ લોકલ
- અમુક નિયમોનું કરવું પડશે પાલન
દેશની આર્થિક રાજધાની મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી લોકલ ટ્રેન સર્વિસ મુંબઈ લોકલ હવે ફરી એકવાર સામાન્ય મુસાફરો માટે ખુલ્લી મુકવામાં આવશે. કોરોનાને કારણે 10 મહિનાથી સામાન્ય મુસાફરો માટે આ સર્વિસ ઠપ્પ હતી. પરંતુ હવે મહારાષ્ટ્ર સરકારે તેને મંજૂરી આપી દીધી છે. જો કે, મુસાફરોએ હજી પણ અમુક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. રાજ્ય સરકારે શરતો સાથે મુંબઇ લોકલ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે.
સામાન્ય મુસાફરો માટે પહેલી ટ્રેન સવારે 7 વાગ્યા સુધી મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે, પ્રથમ ટ્રેન સવારે 4 વાગ્યાની આસપાસ દોડશે. સામાન્ય મુસાફરો સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લોકલ ટ્રેનો દ્વારા મુસાફરી કરી શકશે નહીં, તે પછી બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી છૂટ આપવામાં આવશે, પરંતુ બપોરે 4 થી 9 વાગ્યે મુસાફરી કરી શકશે નહીં. જો કે સામાન્ય મુસાફરો રાત્રે 9 વાગ્યાથી છેલ્લી ટ્રેન સુધી ફરી એકવાર મુસાફરી કરી શકશે.
રાજ્ય સરકારે ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે ખૂબ જ વ્યસ્ત સમયમાં ટ્રેનમાં સામાન્ય મુસાફરોને મંજૂરી આપી નથી, મહારાષ્ટ્રમાં હજી પણ કોરોનાનું જોખમ છે. અને તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. મુસાફરોને એમ પણ કહેવામાં આવ્યું છે કે, સ્ટેશનો અને લોકલ ટ્રેનો પર ભીડ ન થવા દે અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરે.
જોકે રેલવે વિભાગ વતી સામાન્ય મુસાફરોને ટ્રેન શરૂ કરવા અંગે રેલવે વિભાગના અધિકારીઓને હજી સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ છૂટની માહિતી ફક્ત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે.
-દેવાંશી