મુંબઈમાં 26-11ના હૃદયદ્રાવક હુમલાની 15મી વરસી પર ફરી એકવાર પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો.. ફોન કરનારે જણાવ્યું કે, આતંકવાદીઓ મુંબઈમાં ઘૂસી ગયા છે અને હુમલો કરશે. મુંબઈના માનખુર્દ વિસ્તારમાં 3 આતંકવાદીઓ ઘૂસ્યા છે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ સઘન તપાસ શરૂ કરી હતી. તેમજ કોલરને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે અને તેણે આપેલી માહિતીની ખરાઈ કરવામાં આવી છે.
પોલીસે એ વાતનો ખુલાસો કર્યો નથી કે ફોન કરનાર વિશે કોઈ માહિતી મળી છે કે નહીં. જો કે, આ ધમકીભર્યા કોલ બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સાયબર સેલે પોલીસની વિશેષ ટીમ સાથે મળીને આ અજાણ્યા કોલરને શોધવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ પહેલા 21મી નવેમ્બર (મંગળવારે) મોડી રાત્રે એક વ્યક્તિએ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. તેણે પોતાનું નામ શોએબ જણાવીને કહ્યું હતું કે, ગુજરાતમાં રહેતો સમા અને કાશ્મીરનો આસિફ મુંબઈમાં મોટો બ્લાસ્ટ કરવા જઈ રહ્યો છે. તેમજ તેમણે સામ અને આસિફના ફોન નંબર પણ પોલીસને આપ્યા હતા.
તાજેતરમાં, એક ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં વ્યક્તિએ દાવો કર્યો હતો કે તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગનો સાગરિત છે. તેણે પીએમ નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી હતી. તેણે જેજે હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે પણ વાત કરી હતી. દરમિયાન મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમમાં અજાણ્યા નંબરથી મળેલા ધમકી ભર્યા ફોનને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ બંદોબસ્તમાં વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અસામાજીક તત્વો ઉપર સઘન નજર રાખવામાં આવી રહી છે.