Site icon Revoi.in

મુંબઈ પોર્ટઃ ઈરાનથી મગફળીના તેલના નામે લવાયેલુ રૂ. 125 કરોડનું હેરોઈન પકડાયું, એકની ધરપકડ

Social Share

મુંબઈઃ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસની તપાસના ધમધમાટ વચ્ચે ડીઆરઆઈની ટીમે મુંબઈ પોર્ટ ઉપર દરોડા પાડ્યાં હતા. અહીં એક કન્ટેરમાંથી 25 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ રૂ. 125 કરોડ હોવાનું મનાઈ રહ્યું છે. સુરક્ષા એજન્સીએ દરોડા દરમિયાન એક આરોપીને ઝડપી લીધો હતો. નવી મુંબઈથી જયેશ સાંઘવી નામના 62 વર્ષિય શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તેની ઉપર આરોપ છે કે, ઈરાનથી મગફળીના તેલની ખેપમાં હેરોઈન છુપાવીને મુંબઈ લવાયો હતો. ડીઆરઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, માહિતીના આધારે નવી મુંબઈમાં ઈરાનથી આવેલા એક કન્ટેરને પકડવામાં આવ્યું હતું. જેમાંથી આ જથ્થો ઝડપાયો હતો.

ડીઆરઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, આ કન્ટેરને સંદીપ ઠક્કરે ઈમ્પોર્ટ કર્યું હતું. જેમની મસ્જિદ બંદરમાં ઓફિસ છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સાંઘવીએ તેમને ઈરાનથી સામાન આયાત કરવા માટે રૂ. 10 હજાર પ્રતિ ખેપની ઓફર કરી હતી. જેઓ 15 વર્ષથી સાંઘવી સાથે વ્યવાસય કરે છે જેથી તેની ઉપર ભરોસો હતો. ડીઆરઆઈએ જયેશની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેંસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ડીઆરઆઈએ મુંબઈ પોર્ટ ઉપર અન્ય કન્ટેનર્સની તપાસ શરૂ કરી છે. તપાસનીશ એજન્સીએ કોર્ટમાં કહ્યું હતું કે, જયેશ એક સિંડિકેટનો ભાગ છે અને અન્ય આરોપીઓની જાણકારી માટે તેની પૂછપરછ જરૂરી છે. તપાસનીશ એજન્સીની ઉંડાણપૂર્વકની તપાસમાં નવા ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.