Site icon Revoi.in

મુંબઈઃ ઘાટકોપરમાં હોર્ડિંગ ઘટનામાં 60 કલાક બાદ રેસ્ક્યુ ઓપરેશન પૂરું, 16ના મોત

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ તૂટી પડવાની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 16 થઈ ગયો છે. ઘાટકોપર હોર્ડિંગની ઘટનામાં બચાવ કામગીરી આખરે પૂર્ણ થઈ ગઈ છે. BMC કમિશનર ભૂષણ ગગરાણી ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની સમીક્ષા કરી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, ઘાટકોપરમાં સોમવારે (13 મે)ના રોજ હોર્ડિંગ તૂટી પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. 42 લોકો હોસ્પિટલમાં દાખલ છે. બીજી તરફ ઘાટકોપરમાં હજુ પણ હોર્ડિંગનો કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ભૂષણ ગગરાણીએ ઘાટકોપરના છેડાનગર વિસ્તારમાં 13 મેના રોજ જ્યાં એક હોર્ડિંગ પડ્યું હતું તે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ અને ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ભૂષણ ગગરાણીએ જણાવ્યું કે ઘાટકોપર હોર્ડિંગની ઘટના બાદ છેલ્લા ત્રણ દિવસથી NDRFના જવાનો સેન્સર અને ડોગ ટીમની મદદથી એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે હોર્ડિંગ્સના કાટમાળ નીચે કોઈ ફસાયું છે કે કેમ. કમનસીબે આ અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે. આ બચાવ કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે. 

આ અભિયાનમાં 60 કલાકનો સમય લાગ્યો હતો. આ બચાવ કામગીરીમાં મુંબઈ મહાનગરપાલિકા, મુંબઈ પોલીસ, એમએમઆરડીએ, એનડીઆરએફ, મહાનગર ગેસે સંકલનથી બચાવ કામગીરી પૂર્ણ કરી છે. અકસ્માત સ્થળે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાટમાળ નીચે અન્ય કોઈ વ્યક્તિ દટાઈ નથી. જો કે હજુ પણ સ્થળ પર હોર્ડિંગનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને તાત્કાલિક સહાય આપવામાં આવશે.

નોંધનીય છે કે, સોમવારે સાંજે લગભગ 4.15 વાગ્યાની આસપાસ ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક પેટ્રોલ પંપ પાસે લાગેલું વિશાળ હોર્ડિંગ તોફાની પવન સાથે કમોસમી વરસાદને કારણે પડી ગયું હતું. આ પછી ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ સ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. રાહત અને બચાવ કાર્ય કરી રહેલી ટીમોએ BMCને જણાવ્યું કે હવે હોર્ડિંગના કાટમાળ નીચે કોઈ દટાયું નથી. કાટમાળ હટાવવાનું કામ હજુ ચાલુ છે.