મુંબઈઃ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા મુંબઈના હાઈ-પ્રોફાઈલ ક્રુઝ ડ્રગ્સ કેસમાં બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને મોટી રાહત મળી છે. આ કેસમાં એનસીબીએ ચાર્જશીટ ફાઈલ કરી છે, જેમાં આરોપીઓના નામમાં આર્યનનો ઉલ્લેખ નહીં હોવાથી તેને આ હાઈપ્રોફાઈલ કેસમાં ક્લિનચીટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગયા વર્ષે મુંબઈમાં એક ક્રુઝમાં ચાલી રહેલી પાર્ટીમાં એનસીબીએ દરોડો પાડ્યો હતો. જેમાં કેટલાક વ્યક્તિઓ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એનસીબીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાન સહિત કેટલાક લોકોની ધરપકડ કરી હતી. તેમજ આર્યન પાસેથી ડ્રગ્સ મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. દરમિયાન કોર્ટે આ કેસમાં આર્યન ખાનને જામીન ઉપર મુક્ત કર્યો હતો. ડ્રગ્સ કેસમાં આર્યન ખાને જેલવાસ પણ ભોગવ્યો હતો.
નાર્કોટિક્સ બ્યુરોએ આ કેસમાં 6 હજાર પેજની ચાર્જશીટ ફાઈલ કરી હતી. જેમાં 14 આરોપીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે, આ યાદીમાં આર્યન ખાનનો તેમાં ઉલ્લેખ કરાયો નથી. જેથી સમગ્ર હાઈપ્રોફાઈલ કેસમાં આર્યનને ક્લિનચીટ આપી હોવાનું મનાઈ રહ્યું છે. આર્યન ખાન ઉપરાંત અવિન શાહુ, ગોપાલજી આનંદ, સમીર સૈઘન, ભાસ્કર અરોડા અને માનવ સિંહાને પણ ક્લિનચીટ આપવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.
એનસીબી દ્વારા હાઈપ્રોફાઈલ ડ્રગ્સનો કેસનો પર્દાફાશ થયો અને આર્યન ખાનની ધરપકડને પગલે બોલિવુડમાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ બોલિવુડમાં ડ્રગ્સ મુદ્દે તરેહ-તરેહની અટકળો વહેતી થઈ હતી. એટલું જ નહીં આ કેસને પગલે રાજકીય માહોલ પણ ગરમાયો હતો.