મુંબઈ ટેસ્ટઃ ટીમ ઈન્ડિયાએ 325 રન બનાવ્યાં, ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે રચ્યો ઈતિહાસ
મુંબઈઃ ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમે મેચના પહેલા દિવસે 4 વિકેટે 221 રન બનાવ્યા હતા. તેણે બીજા દિવસે તેના સ્કોરમાં 104 રન ઉમેર્યા અને બાકીની 6 વિકેટ ગુમાવી દીધી. ભારત તરફથી સૌથી વધારે રન મયંક અગ્રવાલે બનાવ્યાં હતા. ભારત તરફથી મયંક અગ્રવાલે (150) અડધાથી વધુ રન બનાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડના સ્પિનર એજાઝ પટેલે ભારતની સામે ઈતિહાસ રચી કાઢ્યો હતો. તેણે ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિગ્સમાં તમામ 10 વિકેટ લીધી હતી.
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે એજાઝ પટેલે 4 વિકેટ ઝડપી હતી. તેણે બીજા દિવસે વધુ 6 વિકેટ લઈને અનિલ કુંબલે અને જિમ લેકરના રેકોર્ડની બરાબરી કરી. 141 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં માત્ર 3 બોલર એવા છે જેમણે એક ઈનિંગમાં 10 વિકેટ લીધી હોય. એજાઝ પટેલ ત્રીજા બોલર છે. સૌથી પહેલા આ સિદ્ધિ ઈંગ્લેન્ડના જિમ લેકરે નોંધાવી હતી. તેમણે 1956માં ઓસ્ટ્રેલિયા સામે માન્ચેસ્ટર ટેસ્ટની એક ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હતી. લેકરના આ રેકોર્ડની બરોબરી ભારતીય લેગ સ્પિનર અનિલ કુંબલેએ 1999માં કરી હતી. પાકિસ્તાન સામે દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કુંબલેએ એક ઇનિંગમાં તમામ 10 બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
ન્યૂઝીલેન્ડના સ્પીન પટેલે મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે ચાર ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે શુક્રવારે ભારતની ઓપનિંગ જોડી તોડી હતી જ્યારે તે સદીની ભાગીદારીના માર્ગે હતી. એજાઝે મેચમાં શુભમન ગિલને પોતાનો પહેલો શિકાર બનાવ્યો હતો. આ પછી તેણે ખાતું ખોલાવ્યા વિના ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીને પેવેલિયન પરત મોકલી આપ્યાં હતા. પૂજારા અને કોહલી એક જ ઓવરમાં આઉટ થયા હતા. આ પછી એજાઝે પ્રથમ ટેસ્ટ મેચની સદી શ્રેયસ અય્યરને ચોથો શિકાર બનાવ્યો હતો. પટેલ અહીં જ ન અટક્યો અને મેચના બીજા દિવસે પણ તેનો વિકેટ મેળવવાનો સીલસીલો ચાલુ રાખ્યો હતો.
તેણે મેચના બીજા દિવસે રિદ્ધિમાન સાહા અને રવિચંદન અશ્વિનને સતત બે બોલમાં આઉટ કર્યા હતા. અશ્વિન પણ પૂજારા અને કોહલીની જેમ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. એજાઝની શાનદાર બોલિંગ એવી હતી કે ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે પણ એજાઝ પટેલને બીજો નવો બોલ સોંપ્યો હતો. એજાઝે જૂના બોલની જેમ નવા બોલથી અજાયબી કરી અને અંતે 4 વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો.