મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર માત્ર એક કોલથી મચી ગયો ખળભળાટ,પોલીસે શરૂ કરી તપાસ, આ છે મામલો
- મુંબઈ એરપોર્ટ પર બોમ્બ હોવાની અફવાથી ખળભળાટ
- પોલીસે શરૂ કરી તપાસ
- નકલી કોલરને શોધી રહી છે પોલીસ
મુંબઈ:મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે એક ફોન કરનારે ફોન કરીને કહ્યું કે એરપોર્ટ પર બ્લુ બેગમાં બોમ્બ છે. આ કોલ મુંબઈમાં T-2 પર કોઈ અજાણ્યા વ્યક્તિએ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ માહિતી મળ્યા બાદ એરપોર્ટે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને ત્યારબાદ તમામ વરિષ્ઠ અધિકારીઓએ અજાણ્યા કોલર તરફથી મળેલી માહિતી પર કામ કરવાનું શરૂ કર્યું.
એક અધિકારીએ જણાવ્યું કે સહાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તરત જ એરપોર્ટ જવા રવાના થયા અને એસઓપી મુજબ તપાસ શરૂ કરવામાં આવી. મુંબઈ પોલીસના ઝોન 8ના ડીસીપી દીક્ષિત કુમાર ગેદામે કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. હાલમાં, કોલ કરનાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો તે પ્રમાણે કંઈ મળ્યું નથી. પ્રાથમિક તપાસ મુજબ તે ફેક કોલ હોવાનું જણાય છે.
એક અધિકારીએ કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે કે ફોન કરનારે આવો ફોન કેમ કર્યો અને તેનો હેતુ શું હતો?. મુંબઈ પોલીસે કહ્યું કે ફેક કોલ કરનાર વ્યક્તિની શોધ કરવામાં આવી રહી છે. તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.