અમદાવાદઃ મુદ્રા પોર્ટ ઉપરથી રૂ. 30 હજાર કરોડથી વધારેના પકડાયેલા ડ્રગ્સના કેસમાં એનઆઈએ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન આ પ્રકરણમાં સંડોવાયેલા મૂળ અફઘાનિસ્તાનની નાગરિકની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હોવાનું જામવા મળે છે. ડ્રગ્સ મોકલવામાં આરોપીની સંડોવણી ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી.
એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુદ્રાં પોર્ટ ડ્રગ્સ કેસમાં દક્ષિણ દિલ્હીમાંથી અફઘાનિસ્તાની નાગરિક શોભન આર્યાફર (ઉ.વ. 28)ની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ મંગાવવામાં તેની સંડોવણી સામે આવી હતી. આ સમગ્ર ષડયંત્રમાં તેની પણ મહત્વની ભૂમિકા હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આ પહેલા પણ નેબ સરાઈ સહિત ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. સમગ્ર કેસમાં ઈરાની આરોપીએ શ્રીલંકામાં પણ ડ્રગ્સ મોકલ્યું હોવાનું સામે આવી રહ્યું છે જેમા શ્રીલંકા પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો હતો. તો આ કેસમાં રડારમાં આવેલા ચેન્નાઈનાં દંપત્તિએ આ પહેલા જુલાઇ મહિનામાં પણ ડ્રગ્સ મંગાવ્યું હોવાનું સામે આવ્યું છે, સમગ્ર કેસમાં ચેન્નાઈનાં કપલ અને અફઘાનિસ્તાનનાં ડ્રગ માફિયા વચ્ચે અમિત નામના વ્યક્તિની ભૂમિકા હોવાનું સામે આવી છે, અમિત મૂળ દિલ્હીનો છે. આ સિવાય કસ્ટમ હાઉસનાં જ એક એજન્ટનો પણ આ કાળા કારોબારમાં રોલ હોવાનું ખૂલ્યું છે જેનું નામ કુલદીપ સિંહ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુંદ્રા બંદર ઉપરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં ખંભાળિયા અને મોરબીના નવલખી બંદર પાસેથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ ડ્રગ્સ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે. આમ ગુજરાત પોલીસ સહિતની દેશની સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા કવાયત તેજ બનાવી છે.
(PHOTO-FILE)