ગાંધીનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ સામે મ્યુનિ.ની ઝૂંબેશ, પાંચ દિવસમાં 75 વેપારીઓ દંડાયા
ગાંધીનગરઃ દેશભરમાં સીંગલ યુઝ પ્લાસ્ટિક સામેની ઝુબેશ ચાલી રહી છે. પ્લાસ્ટિકના પાતળા કાગળો, થેલીઓ-ઝબલા વગેરે પર્યાવરણ માટે હાનિકારક છે. ત્યારે પર્યાવરણ માટે નુકસાનકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દેવા માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અપિલ કરવામાં આવી હતી, અને સીંગલ યુઝ એટલે ઓછા માઈક્રોનની પ્લાસ્ટિકના ઝબલાઓ-થેલીઓનો વપરાશ કરનારા વેપારીઓ સામે ઝુબેશ હાથ ધરવામાં આવી હતી છેલ્લા પાંચ દિવસમાં 75 વેપારીઓને 42 હજારથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો- 2021 પ્રસિદ્ધ કર્યો છે. જે અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક કોમોડિટીનું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પ્રતિબંધિત છે. વિશ્વ પર્યાવરણ દિવસથી ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સરકારના આ નિયમનાં અમલીકરણ હેતુ શહેરના વિવિધ કોમર્શિયલ તેમજ માર્કેટ વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં સ્થાનિક કાઉન્સિલરો પણ આ જનજાગૃતિ અભિયાનમાં જોડાઈને પોત પોતાના વોર્ડમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગથી પર્યાવરણને થતાં નુકસાન વિશે સમજણ આપી રહ્યા છે. તો બીજી તરફ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરના સેક્ટર 21 તથા સેક્ટર 16ના કોમર્શિયલ વિસ્તારના વેપારી એસોસિએશન સાથે મીટીંગ કરી સિગ્નલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા સહયોગ આપવા અપીલ કરવામાં કરી હતી.
આ ઉપરાંત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશકર્તાઓ સામે દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જે અન્વયે છેલ્લા પાંચ દિવસમાં 75 ઈસમો પાસેથી રૂપિયા 42,500 વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વિવિધ સંગઠનોને સાથે રાખી આ બાબતે જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે. જેથી ગાંધીનગરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવી શકાય.