સુરતઃ રાજ્યમાં ખાદ્ય-ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. રાજકોટ મહાનગર પાલિકાએ ગઈકાલે રાજકોટ વિસ્તારમાંથી દરોડા પાડીને 1600 કિલો બનાવટી પનીર ઝડપી પાડ્યું હતું. રાજકોટમાંથી 1600 કિલો બનાવટી પનીર પકડાયા બાદ સુરત મહાનગરપાલિકા નું આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે. સુરત શહેરના આરોગ્ય વિભાગે આજે પનીરનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા..
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ઉનાળા શરૂઆતમાં મરી મસાલાનો ઉપયોગ કરતી ગૃહિણીઓ વધુ ખરીદી કરતી હોય છે, તેથી મરી મસાલાના પણ સેમ્પલ લેવાયા હતા ત્યારબાદ કેરીના રસ અને કાર્બાઇડથી પકડવામાં આવતી કેરીનો નાશ કરવામાં આવ્યો હતો અને આજે બુધવારે પણ અલગ અલગ પનીર વિક્રેતાઓના ત્યાં દરોડા પાડીને તપાસ શરૂ કરવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની 18 જેટલી ટીમ દ્વારા પનીરના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. શહેરમાં ઘી અને પનીરનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે ત્યારે ઘણી ડેરીઓની અંદર અને મીઠાઈ ની દુકાનોમાં અખાદ્ય પનીરનું વેચાણ થઈ રહ્યું હોવાની શક્યતા રહેલી છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાં જઈને પનીરના સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે. શહેરના આઠ ઝોનમાં 18 જગ્યા પર દરોડા પાડી જે જગ્યા પર પનીર વેચાય છે તે નકલી છે કે ભેળસેળવાળું છે તે જાણવા માટે દરોડાની કામગીરી શરૂ કરી છે. જોકે દરોડા પડવાની સાથે ડેરી પ્રોડક્ટનો વેપાર કરતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પનીરમાં ભેળસેળ સહિતનું નકલી વેચાણ થયા હોવાની વિગતો સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગે દરોડા પાડી સેમ્પલિંગ શરૂ કર્યું છે. આમ સુરત આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે.