Site icon Revoi.in

અમદાવાદમાં ચોમાસા દરમિયાન પડેલા ભૂવા પાછળ મ્યુનિ.કોર્પોરેશને 3 કરોડનો ખર્ચ કર્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાના બનાવો બનતા હોય છે. ચાલુ વર્ષના ચોમાસામાં 73 ભૂવાઓની મરામત પાછળ 3 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે નવા વાડજમાં પડેલા ભૂવાના રીપેરિંગ પાછળ જ 38 લાખનો તોતિંગ ખર્ચ કરાયો હતો.  ઉપરાંત શહેરમાં ઈન્દ્રપુરી વોર્ડમાં કડિયાનાકાથી તુષારભાઈ દેશમુખ ગાર્ડન રોડ પર પડેલા ભૂવા પાછળ 20 લાખ, સ્ટેડિયમ વોર્ડમા રાઉન્ડ ટેબલ સ્કૂલ જંક્શન પાસે પડેલા ભૂવા પૂરવા 20 લાખ, જ્યારે બોડકદેવ વોર્ડમાં પડેલા ભૂવા પુરવા માટે 17.51 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો..

અમદાવાદ શહેરમાં તો વરસાદ વિના પણ ભૂવા પડવાના બનાવો પણ બનતા હોય છે. શહેરમાં ભૂગર્ભ પાણીની લાઈનો અને ડ્રેનેજની લાઈનોમાં લીકેજને લીધે માટી ધસી જતાં ભૂવા પડતા હોય છે.કારણ કે પાણીની કે ડ્રેનેજની ભૂગર્ભ લાઈનોમાં પાઈપના સાંધા યોગ્યરીતે જોડવામાં આવતા ન હોવાથી જમીનમાં લિકેજ શરૂ થઈ જતાં ભૂવા પડતા હોય છે. જેમાં ચોમાસા દરમિયાન રોડ નીચેની માટી પણ ભીંજાઈને પોચી પડી જતાં ભૂવાઓ પડતા હોય છે. AMC અને તેના કોન્ટ્રાક્ટરોની બેદરકારીને પગલે આ વર્ષે ચોમાસાની સિઝનમાં 73 ભૂવા પડ્યાં હતા. અને તેને પુરવા પાછળ 3 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. આમતો ભૂવા પુરવા પાછળ તેની સાઈઝ પ્રમાણે ખર્ચ કરવામાં આવે છે. જો કે સામાન્ય રીતે એક ભૂવાની મરામત પાછળ બેથી ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. શહેરમાં કેટલાક ભુવા એવા હતાં જેની પાછળ તંત્ર દ્વારા 20થી 30 લાખ સુધીનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. પાલિકા અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે શહેરના પશ્ચિમ ઝોનમાં 21 ભૂવા પડ્યાં હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં રોડ રસ્તાઓના રિપેરિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે રોડ કન્સ્ટ્રક્શન કરતી કંપનીઓ અને કોન્ટ્રાકટરો માટે કમાણીનું સાધન બની ગયું છે.  હવે કોર્પોરેશનના ઈજનેર ખાતાના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના શાસક પક્ષના નેતાઓને કંપનીઓ અને કોન્ટ્રાકટરો સાથે એટલી મિત્રતા થઈ ગઈ હોય કે અંદાજીત ભાવ કરતા પણ વધુ ભાવ મૂકે અને કામ કમિટીમાં લાવી તેને મંજુર પણ કરી દેવાય છે. સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં પશ્ચિમ ઝોનમાં આવતા સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, વાડજ, રાણીપ, પાલડી, વાસણા અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવતા ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં રોડને રિગ્રેડ અને રિસરફેસ કરવા માટેના કુલ 36 કરોડના ત્રણ કંપનીઓના ઊંચા ભાવના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે.