અમદાવાદઃ ગુજરાતમાં મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓની મુખ્ય આવક ઓકટ્રોયની ગણાતી હતી. પણ સરકારે વર્ષો પહેલા ઓકટ્રોય નાબુદ કરતા તે સમયે તમામ મ્યુનિ, કોર્પોરેશન અને નગરપાલિકાઓને આવક પ્રમાણે સરકાર ગ્રાન્ટ આપશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. હાલ સરકાર દ્વારા તમામ નગરપાલિકાઓ અને મ્યુનિ.કોર્પોરેશનોને ગ્રાન્ટ આપવામાં આવે છે અને સમયાંતરે ગ્રાન્ટમાં વધારો પણ કરવામાં આવતો હોય છે. સરકારે 10 ટકા ગ્રાન્ટમાં વધારો કર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓમાં ઓક્ટ્રોય નાબૂદી બાદ રાજ્ય સરકાર દ્વારા વળતર પેટે ઓક્ટ્રોય ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નિયમોનુસાર ઓક્ટ્રોય વળતરની ગ્રાન્ટમાં 10 ટકાનો વધારો થતાં તમામ શહેરોના વિકાસ કાર્યોને વેગ મળી શકશે. ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 2007ના વર્ષથી મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓની ઓક્ટ્રોય નાબૂદ કરવામાં આવી હતી. અને મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓની ઓક્ટ્રોય ગ્રાન્ટ આપવાની સાથે સમયાંતરે વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.
સૂત્રોના કહેવા મુજબ 2014 -15 દરમિયાન ફાળવવામાં આવતી ઓકટ્રોય ગ્રાન્ટમાં વર્ષ 2017 -18 દરમિયાન 10%નો વધારો થયો હતો. ત્યારબાદ હવે મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓની વર્ષ 2021-22માં વળતર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. તેમાં વર્ષ 2022-23માં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જોકે આ વર્ષે નિયમમાં થોડો ફેરફાર પણ થયો છે. વળતર પેટેની ગ્રાન્ટમાં 07 ટકાનો વધારો સમાનરૂપે અને 03 ટકાનો વધારાનો મ્યુનિ.કોર્પોરેશનો અને નગરપાલિકાઓના પર્ફોમન્સના આધારે નિર્ણય થશે.
ઓક્ટ્રોય ગ્રાન્ટના વળતર પેટે વડોદરા કોર્પોરેશનને વર્ષ 2017થી 22 સુધી 26.89 કરોડની રકમ પ્રાપ્ત થઇ હતી. હવે રાજ્ય સરકાર તરફથી ફરી એક વખત ગ્રાન્ટમાં વધારા સાથેનો પરિપત્ર જારી થતા વડોદરા મ્યુનિ.કોર્પોરેશનને પણ તેનો લાભ મળશે. જો 10% વધારા સાથે ગણતરી કરવામાં આવે તો વડોદરા મ્યુનિ.કોર્પોરેશનને પ્રતિ મહિને 2.67 લાખ અને પ્રતિવર્ષ 32 કરોડ સુધીની રકમ પ્રાપ્ત થશે.