અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ઘણા લોકો કોરોનાનો ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરાવતા હોય છે. ત્યારે ટેસ્ટના રિપોર્ટમાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તો આ અગેની જાણ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગને ઓનલાઈન કરવાની જોગવાઈ છે. છતાં કેટલીક લેબ.ના સંચાલકો મ્યુનિ.ને રિપોર્ટ મોકલતા નથી. આથી મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાએ કોરોના કેસના રિપોર્ટિંગમાં બેદરકારી બદલ શહેરની 7 પેથોલોજી લેબોરેટરીને નોટિસ ફટકારી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની ખાનગી લેબોરેટરી દ્વારા નિયમિતપણે સેમ્પલના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટની માહિતી આપવામાં લાલીયાવાડી દાખવવામાં આવી રહી છે. નિયમિત રીતે દૈનિક ધોરણે લેવાતા સેમ્પલ અને તેના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ ઓનલાઈન સબમિટ કરવામાં આવતા નથી જેથી શહેરમાં કોરોનાના કેસનું વાસ્તવિક ચિત્ર દેખાતું નથી. હેલ્થ ખાતાએ તમામ લેબોરેટરીને તાકીદ કરી છે જો નિયમિત કોરોના કેસનું રિપોર્ટિંગ નહીં કરાય તો કડક પગલાં લેવાશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના હેલ્થ ખાતાના અધિકારીઓ દ્વારા શહેરની તમામ ખાનગી લેબોરેટરીના સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક બોલાવવા પાછળનું કારણ માત્ર એવું હતું કે, શહેરની કેટલીય ખાનગી લેબોરેટરી દ્વારા કોરોના કેસનું ઓનલાઈન રિપોર્ટિંગ કરવામાં બેદરકારી દાખવવામાં આવતી હતી. એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ખાનગી લેબોરેટરીએ તેમના ત્યાં ચકાસણીમાં આવતા તમામ સેમ્પલનું રિઝલ્ટ સાથે દૈનિક ધોરણે રિપોર્ટિંગ કરવું ફરજીયાત છે પણ અમારા ધ્યાને આવ્યું હતું કે, માત્ર કોરોનાના પોઝિટિવ કેસનું રિપોર્ટિંગ થાય છે પણ નેગેટિવ રિપોર્ટિંગ થતું નથી. આથી શહેરમાં કોરોનાની પોઝિટિવિટી ખબર પડતી નથી. કેટલીક લેબોરેટરી દ્વારા તેમની ક્ષમતા કરતા વધુ સેમ્પલ લેવાઈ રહ્યા છે જેથી તેઓ નિયત સમય મર્યાદામાં રિપોર્ટિંગ કરી શકતા નથી. કેટલીક લેબોરેટરી દ્વારા એવી દલીલ કરવામાં આવી રહી છે કે, તેમની પાસે સ્ટાફ ઓછો છે.