અમદાવાદઃ શહેરમાં કોરોનાના કપરા કાળમાં શહેરીજનોએ અનેક યાતનાઓ વેઠવી પડી હતી. કોરોનાના દર્દીઓ એટલાબધા વધી ગયા હતા કે, મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં તમામ દર્દીઓને સારવાર આપી શકાય તેમ નહીં હોવાથી મ્યુનિએ ખાનગી હોસ્પિટલોના બેડ રિકવાયર કર્યા હતા. કોરોનાનો કપરા કાળ તો સમાપ્ત થઈ ગયો પણ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા હજુ 57 જેટલી ખાનગી હોસ્પિટલોના બિલો પેન્ડિંગ રાખવામાં આવ્યા છે અને આ પેમેન્ટનો આંકડો 10 કરોડથી વધારે હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના સમયમાં અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અનેક ખાનગી હોસ્પિટલ સાથે ટાઇ અપ કરવામાં આવ્યું હતું. જો કે, આમાંથી કેટલીક હોસ્પિટલોને હજુ સુધી પેમેન્ટ નથી મળ્યું. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 57 જેટલી ખાનગી હોસ્પિટલોના બિલો પેન્ડિંગ રાખવામાં આવ્યા છે અને આ પેમેન્ટનો આંકડો 10 કરોડથી વધારે છે. જે હોસ્પિટલોને પેમેન્ટ નથી મળ્યા, તેમનો આક્ષેપ છે કે લાગવગ અને પ્રતિષ્ઠિત મોટી હોસ્પિટલોના જ પેમેન્ટ ચુકવાયા છે.આ અંગે અનેક હોસ્પિટલોએ આહનાને રજૂઆત કરી આક્ષેપ કર્યો છે કે, મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ બિનજરૂરી ક્વેરી કાઢી પેમેન્ટ અટકાવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં મ્યુનિ,કોર્પોરેશનની ભલામણથી જ કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. હવે દર્દીને સાજા કરીને તેમના ઘેર મોકલી આપ્યા હતા. હવે મ્યુનિ.ના અધિકારીઓ જુદી જુદી ક્વેરી કાઢીને બીલો અટકાવી દીધા છે.