અમદાવાદઃ શહેરમાં કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ હતી. વધતી જતી મોંઘવારીમાં વાલીઓને ખાનગી શાળાઓની ફી પરવડતી ન હોવાથી હવે વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાવી લઈને મ્યુનિ.ની શાળાઓમાં પ્રવેશ અપાવ્યો હતો. તેના લીધે અમદાવાદ શહેરની મ્યુનિ.શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઈ હતી. બીજીબાજુ મ્યુનિ.એ દિલ્હીની જેમ સ્માર્ટ શાળાઓનો કન્સેપ્ટ શરૂ કર્યો હતો. અને વિદ્યાર્થીઓમાં પણ અગ્રેજી ભણવાનો ક્રેઝ વધતો જાય છે. મ્યુનિ.એ અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરી છે, ત્યારે ખાટલે મોટી ખોડ એ છે.કે, મ્યુનિ. સંચાલિત શાળાઓમાં અંગ્રેજી વિષય ભણાવી શકે તેવા શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની 37 સ્કૂલોમાં શિક્ષકોનું મંજૂર મહેકમ 217 છે, પણ આ સ્કૂલોમાં માત્ર 59 શિક્ષકો જ છે. જ્યારે આ સિવાય અન્ય માધ્યમના 35 શિક્ષકો હાલમાં અંગેજી માધ્યમમાં ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત કરાર આધારિત 14, સ્વૈચ્છિક સંસ્થાના શિક્ષકો મળીને કુલ 128 શિક્ષકો અભ્યાસ કરાવે છે તેમ છતાં 14 શિક્ષકોની જગ્યા હાલમાં ખાલી છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે, અંગ્રેજી માધ્યમની સ્કૂલો અંગે મોટી જાહેરાતો કરાઈ હતી, પરંતુ સ્ટાફના અભાવે બાળકોના અભ્યાસ પર અસર થઇ રહી છે. જે સ્કૂલોમાં એડમિશનની લાઇનો લાગે છે તેમાં જ શિક્ષકોની ઘટ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી સ્કૂલોમાં જ સૌથી વધુ શિક્ષકોની સંખ્યા ખાલી છે. કુબેરનગરની અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં 7, સરદાર વલ્લભભાઈ પટેલ સંકુલમાં 7, જ્યારે દાણીલીમડા પબ્લિક સ્કૂલમાં સૌથી વધુ 20 શિક્ષકોની ઘટ છે. આવનારા વર્ષમાં થનારી નવી ભરતીમાં ખાલી જગ્યાઓ ભરાશે. હાલમાં તમામ બાળકોને સારું શિક્ષણ મળે તે માટે કરાર આધારિત શિક્ષકો પણ મૂકવામાં આવી રહ્યા છે.