અમદાવાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દુર થયો નથી. જાહેર રોડ-રસ્તાઓ પર બિન્દાસ્તથી પશુઓ અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળે છે. ટ્રાફિકને અડચણરૂપ થતાં રખડતા ઢોરને પકડવા મ્યુનિનું તંત્ર પણ લાપરવાહી દાખવી રહ્યું છે. ત્યારે ખૂદ સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરે મ્યુનિ.ના અધિકારીઓ ઢોર ન પકડવા હપતા વસૂલતા હોવાનો ઓક્ષેપ કર્યો હતો.
શહેરના ઘાટલોડિયાના ભાજપના કોર્પોરેટર મનોજ પટેલે ઉત્તર પશ્ચિમ ઝોનની બેઠકમાં રખડતા ઢોર મુદ્દે કેટલાક ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમનું કહેવું હતુ. કે લોકોના પ્રશ્નો ઉકેલવા અધિકારીઓ કામ કરતા નથી. અધિકારીઓ અને કમિશનરને અનેકવાર ફોટો અને વીડિયો મોકલવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવતી. તેમણે આક્ષેપ કર્યો કે રખડતા ઢોર ન પકડવા ઘાટલોડિયામાંથી જ રૂપિયા 1.25 લાખ રૂપિયા હપતો વસૂલાય છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોરની સમસ્યા હજુ સાવ અંકુશમાં આવી નથી અને તેમાંય ઉત્તર પશ્ચિમ ઝોનમાં કે ઘાટલોડિયા વોર્ડમાં રખડતાં ઢોર નહિ પકડવા માટે મ્યુનિ.નાં સીએનસીડી ખાતા દ્વારા સવા લાખ રૂપિયાનો હપ્તો લેવાતો હોવાનો આક્ષેપ ભાજપનાં કોર્પોરેટરે કરતાં મ્યુનિ.હોદ્દેદારોની હાજરીમાં ઝોન મીટિંગમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ ઉપરાંત મનોજભાઇએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય કાર્ડ કાઢવામાં ધાંધિયા થતાં હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, કાર્ડ કઢાવવા આવતાં લોકોને ધક્કા ખવડાવવામાં આવે છે અને સ્ટાફ યોગ્ય વર્તન કરતો નથી, તેમણે એમ કહ્યું કે, સ્ટાફનાં ઉધ્ધત જવાબોનો મને પણ અનુભવ થયો છે. આથી એક વ્યક્તિએ ઉભા થઇ તેના ખુલાસા કરવાનો પ્રયાસ કરતાં સ્ટે.ચેરમેન હિતેષભાઇ બારોટે તમે કોણ છો તેવો સવાલ કરતાં તે વ્યક્તિએ કાર્ડ કાઢતાં સેન્ટરનાં કોન્ટ્રાક્ટર હોવાની ઓળખાણ આપી હતી.