Site icon Revoi.in

અમદાવાદમાં પણ નોનવેજનું વેચાણ કરતી લારીઓ પર મ્યુનિ.ની તવાઈ

Social Share

અમદાવાદઃ જાહેરમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મુકનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય બની ગયું છે. રાજકોટ, વડોદરા, ભાવનગર બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં માંસ, મટન, મચ્છી, ઇંડાંની લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં તમામ જાહેર રસ્તાઓ, મંદિર, ગાર્ડન, હોલ સહિતની જાહેર જગ્યાના 100 મીટરના દાયરામાં નૉનવેજની લારીઓને ઊભી નહીં રહેવા દેવાનો નિર્ણય ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં લેવાયો હતો. એટલું જ નહીં, પણ હેલ્થનું લાઈસન્સ નહીં ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઇંડાંના વેચાણ સામે પગલાં લેવામાં આવશે. દરમિયાન શહેરમાં નોનવેજનું વેચાણ કરતી લારીઓ સામે આજથી જ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ.ની  સ્ટેન્ડિંગ કમિટીમાં પણ થયેલા ઠરાવ અનુસાર આ પ્રકારની લારીઓ જાહેર રસ્તાઓ પર ઊભી રહીને ધંધો ન કરે એવી સ્પષ્ટ જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે આજની બેઠકમાં એસ્ટેટ વિભાગને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, જાહેર સ્થળો પર ઊભા રહીને આ પ્રકારના ખાદ્ય ખોરાકનું વેચાણ કરતા અટકાવવામાં આવવા જોઇએ. જે લોકો પાસે એનું યોગ્ય લાઇસન્સ ન હોય તે તમામ દુકાનો સામે પગલાં ભરવામાં આવશે.

અમદાવાદમાં જો માંસ-મટન, મચ્છી કે ઇંડા વેચતી દુકાનો પાસે લાઈસન્સ હોય તોપણ તેઓ જાહેરમાં દેખાય એ રીતે આવી વસ્તુઓ રાખી શકશે નહી. જો આવી દુકાનોમાં જાહેરમાં દેખાય એ રીતે માંસ- મટન, મચ્છી, ઇંડા રાખશે તો તેમને પહેલી વખત સૂચના આપવામાં આવશે કે તેઓ આવી તમામ વસ્તુઓ જાહેરમાં દેખાય નહિ એ રીતે રાખે, જો સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો દુકાનને સીલ કરી દેવામાં આવશે. દુકાનમાં જે વેચાણ થાય એ બંધ બોડીનું હોવાનું જોઇએ. અમદાવાદ શહેરમાં રોજનાં 18 લાખ જેટલા ઇંડાં વેચાય છે. એટલું જ નહીં ઠંડી વધવાની સાથે જ શહેરમાં ઇંડાંના વેચાણ પણ વધતું હોય છે.

વિવિધ શહેરોમાં નૉનવેજની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે સોમવારે આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ‘કોઇ વેજ ખાય કે નોનવેજ ખાય એની સામે અમારો કોઇ પ્રશ્ન જ નથી. જેને જે ખાવું હોય એ ખાય, પણ લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. ઉપરાંત ટ્રાફિકને અડચણ રૂપ લારી હટાવવા જેવી બાબત હોય એ પાલિકા, મહાપાલિકા હટાવી જ શકે એ એમાં વેજ-નોનવેજની કોઇ વાત નથી.