Site icon Revoi.in

અમદાવાદ શહેરમાં ફરતા બહારગામના રજિસ્ટ્રેશન થયેલા વાહનો સામે મ્યુનિ.ટેક્સ વસુલશે

Social Share

અમદાવાદઃ શહેરમાં નવું વાહન ખરીદો એટલે મ્યુનિ. દ્વારા રોડ ટેક્સ લેવામાં આવે છે. પરંતુ ઘણા લોકો નવું વાહન લઈને રહેઠાણનું સરનામું અમદાવાદ મ્યુનિના બહારના વિસ્તારનું બતાવીને મ્યુનિ.નો રોડ ટેક્સ ભરતા નથી. ઉપરાંત શહેરમાં ઘણાબધા પરપ્રાંતના લોકો વસવાટ કરી રહ્યા છે. આ લોકો ધંધા-રોજગાર સાથે જોડાયેલા છે. તેમાં ઘણા લોકો નવું વાહન પોતાના વતનથી નોંધણી કરાવીને લાવી અમદાવાદમાં ફેરવતા હોય છે. એટલે આરટીઓ અને મ્યુનિ. બન્નેને ટેક્સ મળતો નથી. હવે મ્યુનિ, અમદાવાદમાં ફરતા બહારગામના રજિસ્ટ્રેશન થયેલા વાહનોની તપાસ કરશે. જો વાહન માલિક અમદાવાદ શહેરમાં જ વસવાટ કરતો હશે તો તેની પાસેથી દંડ સાથે ટેક્સની કરમ વસુલ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વાહન પર ટેક્સ ના ભરનાર પર તવાઈ આવી શકે છે. શહેરમાં ઘણા વાહનચાલકો છે જે  મ્યુનિ. કોર્પોરેશનનો ટેક્સ ભર્યા વગર જ વાહનો ચલાવી રહ્યા છે. આવા વાહનચાલકોને લીધે કોર્પોરેશનને દર વર્ષે આવકમાં નુકશાન થાય છે.  વાહન વેરો ન ભરનારના કારણે જતા નુકસાનને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે આવા વાહનચાલકો પાસેથી દંડ વસુલવામાં આવશે. વાહનચાલકોને ટેક્સ પર દંડ કે વ્યાજ પણ લેવામાં આવતું નથી. આવા વાહનમાલિકો પાસેથી 18 ટકા વ્યાજ લેવા માટે રાજ્ય સરકારને પત્ર લખવામાં આવશે. સૌથી વધારે ખાનગી મોટી ટ્રાવેલ્સ કંપનીઓ આવા ટેક્સની ચોરી કરતા હોય તેવી માહિતી પણ મ્યુનિ.સત્તાધિશોને મળી છે.  AMC હવે વાહન કરચોરી કરતા લોકો સામે આંખ લાલ કરશે..