Site icon Revoi.in

અમદાવાદમાં ટ્રાફિકને નડતરરૂપ આડેધડ વાહન પાર્ક કરતા ચાલકો સામે મનપાની કાર્યવાહી

Social Share

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા સતત મોનટરિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા માર્ગ ઉપર આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો સામે લાલઆંખ કરવામાં આવી છે, તેમજ આવા વાહનચાલકો સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન શહેરના પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગે આડેધડ પાર્ક કરેલા લગભગ 53 વાહન સામે કાર્યવાહી કરીને વાહન ચાલકો પાસેથી રૂ. 22300 જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. મનપાની આ કાર્યવાહીથી આડેધડ પાર્ક કરતા વાહનના ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગ દ્વારા વિરાટનગર વોર્ડમાં 10 વાહનોને લોક મારી રૂ.3000નો વહીવટીચાર્જ વસૂલાયો હતો. જ્યારે ઓઢવ વોર્ડમાં આઠ વાહનોને તાળાં મારી તંત્રએ રૂ.4000 વહીવટીચાર્જ પેટે વસૂલ્યા હતા. તંત્રએ ગોમતીપુર વોર્ડમાં સાત વ્હીકલને તાળાં મારી રૂ.2150, નિકોલ વોર્ડમાં આઠ વાહનોને તાળાં મારી રૂ. 3000, અમરાઈવાડી વોર્ડમાં સાત વાહનોને તાળાં મારી રૂ.2150 અને ભાઈપુરા વોર્ડમાં છ વ્હીકલને તાળાં મારી રૂ.3000નો વહીવટીચાર્જ વસૂલ્યો હોવાની વિગત પણ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત રામોલ-હાથીજણ વોર્ડમાં 11 વ્હીકલને તાળાં મારી રૂ.5000નો વહીવટીચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત મનપા દ્વારા જાહેરમાં ગંદકી કરનારા એકમો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, એટલું જ નહીં ગેરકાયદે દબાણ મામલે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શહેરના રામોલ-હાથીજણ વોર્ડમાં રખડતાં ઢોરને ઘાસચારો નીરતા ધંધાર્થીઓ પર ત્રાટકીને કુલ 25 કિલો ઘાસચારો જપ્ત કર્યો હતો.

(PHOTO-FILE)