Site icon Revoi.in

અમદાવાદમાં ગરમી સામે મ્યુનિ.નો એક્શન પ્લાન, AMTS, BRTS સ્ટેન્ડ પર પીવાનું પાણી અપાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં હાલ બે ત્રણ દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે.શનિવારથી તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંત સુધીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોચી જવાની શક્યતા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લોકોને ગરમીથી રાહત અપાવવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં એએમસીની હેલ્થ કમિટીની મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં  BRTS-AMTS બસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરાશે. કોઈપણ વ્યક્તિને જો  ORS જોઈશે તો તે પણ આપવામાં આવશે. તેમજ બપોરના સમયે ગાર્ડન ખુલ્લા રાખવાના પણ આદેશ કરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં વધતી જતી ગરમી સામે મ્યુનિ.એ એક્શન પ્લાન બનાવ્યો છે. શહેરના તમામ એએમટીએસ અને બીઆરટીએસ બસ સેન્ટર પર ઓઆરએસના પાઉચ પુરા પાડવામાં આવશે તેમજ શહેરમાં વિવિધ સ્થળે પાણીની પરબ ઊભી કરવામાં આવશે. હીટસ્ટ્રોક, ડીહાઇડ્રેશન અને તેના સંબંધી કેસની અલગથી નોંધણી કરવામાં આવશે. મ્યુનિ. સંચાલિત તમામ હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકને માટે અલગ વોર્ડ બનાવવા સૂચના આપી દેવાઈ છે. ગરમી શરૂ થતા જ હવામાન વિભાગ સાથે રહીને નિયમિત રીતે એડવાન્સ એલર્ટ આપવામાં આવશે. તમામ બગીચાઓમાં પણ પીવાના પાણીની સુવિધા ઊબી કરાશે. ગાર્ડન બપોરે અને રાત્રે મોડે સુધી ખૂલ્લા રાખવામાં આવશે.

અમદાવાદમાં કાળઝાળ ગરમીમાં બપોરના ટાણે લોકો બહાર નીકળવાનુ પણ ટાળતા હોય છે. આવામાં જે લોકોને ઘરની બહાર જવું પડે છે, તે લોકો અસહ્ય તાપમાનમાં સાવચેતિ રાખે તેવી અપીલ પણ કરવામાં આવી છે. મ્યુનિ. દ્વારા શહેરના તમામ બિલ્ડરોને તેમના કન્સ્ટ્રક્શન સાઈટના વર્કર માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે સૂચના આપી દેવામાં આવી છે.  ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી તેમના કર્મચારીઓ માટે ORS પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત,મ્યુનિ.  દ્વારા ઠંડા પીણાં, આઈસ ગોલા, બરફ ફેક્ટરી અને વિવિધ જ્યુસ સેન્ટર પર સક્રિય રીતે સફાઈ અંગે ચકાસણી કરાશે. શહેરમાં ઠેર ઠેર શિકંજી, લીંબુ શરબત, શેરડીનો રસ, ફ્રુટના તંબુ, છાશ-લસ્સી વગેરેનું વેચાણ વધતું હોય છે અને ઠેર ઠેર લારીઓ-દુકાનો શરૂ થઈ જતી હોય છે. જેથી આવી જગ્યાઓએથી પાણી સહિતના સેમ્પલો લેવા માટે અધિકારીઓને સૂચના આપી છે. આ સાથે જ બરફની ફેક્ટરીઓમાંથી પાણીના સેમ્પલો લેવામાં આવશે.