નગરપાલિકા અને મ્યનિ.કોર્પોરેશનની શાળાઓના પ્રા. શિક્ષકોને રૂ.4200 પે ગ્રેડ ન મળતા અસંતોષ
ગાંધીનગરઃ પગારમાં વિસંગતતા અને રૂપિયા 4200 પે ગ્રેડના મામલે ફરીવાર પ્રાથમિક શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. પ્રાથમિક શિક્ષકોના રૂ.4200 ગ્રેડ પેનું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી. જેના કારણે શિક્ષકોએ ફરી એકવખત આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે. ગ્રેડ પે મામલે હજું પણ કેટલાક શિક્ષકોને લાભ ન મળતા શિક્ષકોએ હવે આંદલોનની ચિમકી ઉચ્ચારી છે. શિક્ષકો એવું કહે છે કે, 19 નગરપાલિકા, 6 મહાનગર પાલિકના શિક્ષકોને હજુ સુધી રૂ.4200 ગ્રેડ પે મળ્યો નથી. જો આ મુદ્દાનો તા.4 ઓગસ્ટ સુધીમાં નીવેડો નહીં આવે તો તા. 5 ઓગસ્ટથી શિક્ષકો ધરણાં પર ઊતરશે. રૂ.4200નો ગ્રેડ પે સરકારે જિલ્લા પંચાયતના શિક્ષકોને આપ્યો છે. 15000 શિક્ષકો હજું સુધી આ ગ્રેડ પેથી વંચિત છે. આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે આ મામલે હવે સરકારને ચીમકી આપી છે.
પ્રાથમિક શિક્ષક સંઘના સૂત્રોએ જણાવ્યુ હતું કે, આ અંગે સરકારે જાહેરાત કરી હતી. જેમાં નગર પાલિકા, મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતના શિક્ષકોને રૂ.4200નો ગ્રેડ પે આપવાની વાત કરી હતી. આ માટે જ્યારે લોકલ ફંડને રજૂઆત કરવામાં આવી ત્યારે લોકલ ફંડે એવું કહ્યું કે, કોર્પોરેશનના શિક્ષકોને રૂ.4200નો ગ્રેડ પે આપવામાં આવતો નથી. એટલે અમારા બધાની સર્વિસ બુક પાછી મોકલી દીધી છે. સરકારને આ અંગે વારંવાર રજૂઆત કરી છે. પણ કોઈ સાંભળતું નથી. સરકારે આ મામલે હાથ ઊચા કરી દીધા છે. હવે અમે સરકારને છેલ્લી વાર રજૂઆત કરવાના છીએ. સરકાર નહીં માને તો ધરણાં અને આંદોલન શરૂ થશે.
જામનગરમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી મિટિંગ મળી. જેમાં રૂ.4200ગ્રેડ પે સહિતના પ્રશ્નો ઉપર ચર્ચા થઈ હતી. આ સાથે આગામી રણનીતિ નક્કી કરવામાં આવી. આ ઉપરાંત આશ્રિતોને ઉચ્ચક નાણાકીય સહાય તેમજ જિલ્લા ફેરબદલીથી આવનાર શિક્ષકોનું એક જ જગ્યા એ પેન્શન સહિત મુદ્દે નિયામકની દરખાસ્તોને સરકાર વહેલી તકે મંજૂરી આપે એવી ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરના ચેરમેન આકાશભાઈ બારડ, જિલ્લા શિક્ષણાધિકારી જામનગર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગુભા જાડેજા, શાસનાધિકારી જામનગર તેમજ રાજ્ય મંત્રી હકુભાં જાડેજાના અંગત મદદનીનશ પ્રવિણસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ પૂનમ બેન માડમનો શુભેચ્છા સંદેશ મળ્યો હતો. આ મિટિંગમાં જૂની પેન્શન યોજના અને સાતમા પગાર પંચના લાભના મુદ્દે પણ અન્ય સંઘ કર્મચારી યુનિયનોને સાથે રાખી સહકારથી આ પ્રશ્નો ઉકેલવા આયોજન કરાશે. કાર્યક્રમો નકકી કરવામાં આવ્યા છે.
(PHOTO- FILE)