રાજકોટઃ ગુજરાતમાં ખાદ્યચિજોમાં ભેળસેળ માટે રાજકોટ શહેર કૂખ્યાત બનતું જાય છે. ત્યારે શહેરના આરએમસીના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ ઝૂંબેશ હાથ દરવામાં આવતા હોય છે. દરમિયાન આરએમસી દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના નંદનવન 40 ફૂટ રોડ ઉપર મનપાની અલગ અલગ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ફૂડ શાખા દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતા 22 વેપારીને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન એક સુપર માર્કેટ પેઢીમાં સંગ્રહ કરેલા એક્સપાયરી થયેલી બેકરી પ્રોડક્ટ્સ, બેવરેજિસ, મસાલા, પ્રીપેડ ફૂડ, નમકીન વગેરે મળી કુલ 19 કિલો અખાદ્ય જથ્થો જણાતા સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ખમણ અને ખીરુંનું વેચાણ કરતી દુકાન પર સંગ્રહ કરેલી ચટણીનો 5 કિલો જથ્થો વાસી જણાતા નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ચીઝી ક્રેઝી કાફે- ઈશા એન્ટરપ્રાઈઝ ખાતેથી કાર્નિવલ આઈસક્રીમ- પ્લેન પિસ્તા, જીલ આઈસક્રીમમાંથી કાજુ અંજીર આઈસક્રીમ, ખોડલ કોલ્ડ્રીંકસ એન્ડ આઈસક્રીમની દુકાનમાંથી થીક શેઈક, ચામુંડા ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને પીવીઆર લિમિટેડમાંથી સમોસાના નમૂના લેવામાં આવ્યા હતા. આમ 20 જેટલી દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી. ફાયર એન્ડ ઈમર્જન્સી શાખા દ્વારા હાઈરાઈઝ બિલ્ડિંગ, હોસ્પિટલ મળી કુલ 8 જગ્યાએ ફાયર એનઓસી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વૃંદાવન એપાર્ટમેન્ટ, નંદાલય એવન્યૂ, રાજ આર્કેડ-1, એન્જલ બિઝ તથા ભાવેશ વોરા, મારવેલ હોસ્પિટલને ફાયર એનઓસી રિન્યૂઅલ માટે નોટિસ આપવામાં આવી હતી.
આરએમસીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકનારા 4 આસામી, પ્રતિબંધક પ્લાસ્ટિક રાખવા બદલ 5 આસામી સહિત કુલ 10 પાસેથી રૂ.4450નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત મ્યુનિ.ના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા માર્જિન સ્પેસમાં કરાયેલા છાપરાંના દબાણ દૂર કરવામાં આવ્યા હતા.