અમદાવાદઃ શહેરમાં વરસાદી વાતાવરણને લીધે કેટલાક વિસ્તારોમાં જાહેર માર્ગો પર કચરાના ઢગલાં અને કાદવ-કીચડ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના મ્યુનિ.કમિશનર લોચન સહેરાએ સરપ્રાઈઝ વિઝીટ લઈને ગંદકી અને કચરાના ઢગલાં જોઈને નારાજગી વ્યક્ત કરીને ઉત્તર પશ્ચિમ ઝોનનાં એક પીએચએસને સસ્પેન્ડ કરવાની સાથે આસી.કમિશનર સહિત ૩ જણાને શો કોઝ નોટિસ ફટકારતાં આસપાસનાં વોર્ડમાં દોડધામ મચી ગઇ હતી.
અમદાવાદ શહેરમાં સાફ સફાઈના અભાવે અને કાદવ-કીચડને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. તેથી મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. ચોમાસા દરમિયાન સાફસફાઇ બરોબર થતી નથી, ફૂટપાથ સાઇડે કાદવ કિચડ અને પાણી ભરાઇ રહે છે, તેમજ જાહેર માર્ગો ઉપર દબાણોનુ પ્રમાણ અતિશય વધી ગયુ છે. ફૂટપાથ-ડિવાઇડર તૂટેલાં હોય છે, રોડ ઉપર નાનામોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. દરમિયાનમાં મ્યુનિ.કમિશનર લોચન સેહરા આજે સવારે ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડથી થલતેજ થઇ નવા રીંગરોડ સુધીનાં વિસ્તારોમાં રાઉન્ડમાં નીકળ્યા હતા. બોડકદેવ વોર્ડની હદ જ્યાંથી શરૂ થાય છે તેવા હેલ્મેટ સર્કલથી જ મ્યુનિ.કમિશનરને ઠેર ઠેર સફાઇનો અભાવ, સફાઇ કામદારોની ગેરહાજરી, ફૂટપાથ સાઇડે જામી ગયેલાં માટી-કાદવ અને પાણીનાં ખાબોચિયા વગેરે નજરે નિહાળવા મળ્યા હતા.એટલુ જ નહિ ઠેર ઠેર ફૂટપાથ તૂટેલી અને નાનામોટા ખાડા યથાવત જોવા મળતાં મ્યુનિ.કમિશનર લોચન સેહરા સખત નારાજ થયાં હતા અને તાબડતોબ બોડકદેવ વોર્ડનાં ઇન્ચાર્જ પીએચએસ હેમંત પટેલને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરી નાખ્યો હતો. તદઉપરાંત બોડકદેવ-થલતેજ વોર્ડનાં આસી.કમિશનર હાર્દિક ઠાકોર, વોર્ડનાં આસી.સિટી ઇજનેર નિરજ પુરોહિત અને એસ્ટેટનાં વોર્ડ ઇન્સ્પેકટર મુકેશ ચૌધરીને ફરજમાં બેદરકારી દાખવવા બદલ શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો.
મ્યુનિ.કમિશનર રાઉન્ડ ઉપર નીકળ્યા હોવાની અને સખત નારાજ થયાં હોવાની તેમજ કર્મચારી અધિકારીઓ સામે પગલા લેવાનો આદેશ કર્યો હોવાની જાણ આસપાસનાં વોર્ડમાં થઇ જતાં સોલીડ વેસ્ટ ખાતાનાં કર્મચારીઓ રોડ ઉપર હાજર થઇ ગયાં હતા અને સફાઇ દવા છંટકાવ વગેરે કરાવવા માંડ્યા હતા. તો એસ્ટેટ ટીડીઓ ખાતાનાં દબાણ ખાતાની ગાડીઓનાં વહિવટદારોએ રોડ ઉપરથી દબાણો હટાવી લેવાની દોડધામ આદરી હતી. જયારે ઇજનેર ખાતાનાં વોર્ડ કક્ષાનાં અધિકારીઓ પણ કામે વળગી ગયાં હોવાનું જાણવા મળ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.તંત્રમાં વોર્ડ સ્તરે વિવિધ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે, જેના નિરાકરણ માટે અગાઉ વોર્ડનાં કોર્પોરેટરો તથા અધિકારીઓ રાઉન્ડ લેતા હતા. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી મોટાભાગનાં કોર્પોરેટરો વોર્ડમાં રાઉન્ડ લેતા જ નથી. તેમની બિનઅસરકારક કાર્યશૈલીની અસર વોર્ડનાં અધિકારીઓ ઉપર પણ પડી છે. વોર્ડનાં ઇજનેર, એસ્ટેટ સહિતનાં અધિકારીઓ કામ કરવાને બદલે કમાણી ક્યાં થાય તેમાં જ રસ ધરાવતાં થઇ ગયાં છે. તેના કારણે તમામ વોર્ડમાં જાહેર માર્ગો ઉપર કચરાનાં ઢગલા, દબાણો સહિતની સમસ્યા વકરી ચૂકી છે. (file photo)