અમદાવાદઃ શહેરના જાહેર રસ્તાઓની બન્ને સાઈડમાં લારીગલ્લાથી લઈને દુકાનદારોના પણ દબાણો જોવા મળી રહ્યા છે. આવા દબાણો કેટલાક મ્યુનિ.ના કર્મચારીઓની ભ્રષ્ટાચારી નીતિને કારણે હટાવાતા નથી. અગાઉ પણ મ્યુનિ. કમિશનરે અનેકવાર સુચના આપી હોવા છતાં રોડ પરના દબાણો હટાવાયા નથી. આથી મ્યુનિ. કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓને ફરીવાર કડક સુચના આપી છે. એટલું જ નહીં અધિકારીઓએ રાઉન્ડ લઈને રોજબરોજનો રિપોર્ટ આપવાની પણ તાકીદ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર દબાણ અને ગેરકાયદેસર બાંધકામો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની રહેમ નજર હેઠળ થઈ જાય છે. ત્યારે હવે એસ્ટેટ વિભાગની કામગીરીને પરિણામલક્ષી બનાવવા મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસનને એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને કડક આદેશ કર્યા છે. હવેથી એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી બે કલાક વોર્ડમાં અને ઝોનમાં રાઉન્ડ લેવાનો રહેશે. ડે. એસ્ટેટ ઓફીસર તેમજ ડે. નગર વિકાસ અધિકારીઓએ સમગ્ર ઝોનમા રાઉન્ડ લઈને તેઓને ઝોનમા ધ્યાને આવેલી ખામીઓ જેવી કે જાહેર રસ્તા તથા ફુટપાથ ઉપરના દબાણો, બિન કાયદેસરના તથા ગેરકાયદેસર બાંધકામો દૂર કરાવવાના રહેશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાયેલી રજાચિઠ્ઠી (બાંધકામ પરવાનગી) વાળા ચાલુ બાંધકામો પણ બાંધકામ પરવાનગી અનુસાર થાય તે જોવાની પણ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. ખાનગી તથા જાહેર બાંધકામોના રોડ ઉપર રોડા, પથ્થરો, ઈંટો, ભંગાર જાહેર માર્ગો ઉપર ન આવે તે અચૂક જોવાનુ રહેશે. જે અંગે ચેકીંગ કરીને જાતે ફરિયાદ નોંધીને તેને દૂર કરાવવાનો રહેશે. આસી ટી.ડી.ઓફિસર, આસી. એસ્ટેટ ઓફીસર, ઈન્સ્પેકટર, તથા સબ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારી તેમજ કર્મચારીઓએ તેમના વોર્ડ અને વિભાગમાં સવારના સમયે રાઉન્ડ લઈ જે પણ દબાણો દેખાય તેને દૂર કરવા અંગેની કામગીરીનો રીપોર્ટ જે તે ઝોનના ડે.એસ્ટેટ ઓફીસર, ડે.નગર વિકાસ અધિકારી મારફતે ઝોનના ડે. મ્યુનિસિપલ કમિશનરને કરવાનો રહેશે.(File photo)