અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નીમાયેલા કમિશનર એમ થેન્નારેસનએ તાજેતરમાં મ્યુનિ. સંચાલિત બગીચાઓમાં સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. સરપ્રાઈઝ વિઝીટમાં સિક્યુરિટી ગાર્ડ અને સફાઈ કામદારોની ગેરહાજરીથી મ્યુનિસિપલ કમિશનર ગુસ્સે ભરાયા હતા અને મ્યુનિ.કમિશનરે તાત્કાલિક આ મામલે વિજિલન્સ ખાતાની તપાસ સોંપી છે. બગીચા ખાતામાં કેટલીક ખામીઓ અને કૌભાંડો હોવાનું કમિશનરને લાગતા આ તપાસ કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બગીચાઓમાં કેટલીક અનિયમિતતા ચાલતી હોવાની કમિશનર એમ થેન્નારેસનને જાણ થઈ હતી જેથી મ્યુનિ.કમિશનરે અધિકારીઓને જાણ કર્યા વગર જ બગીચાઓની સરપ્રાઈઝ વિઝીટ કરવા પહોંચી ગયા હતા મ્યુનિ.કમિશનરે શહેરના છ જેટલા બગીચાઓની વિઝીટ કરતા સિક્યુરિટી ગાર્ડ હાજર મળી ન આવ્યા હતા તેમજ સફાઈ કામદારો પણ હાજર ન હતા. આ બાબતની કમિશનરે ગંભીર નોંધ લીધી હતી. કમિશનરની સરપ્રાઈઝ વિઝીટના પગલે બગીચા ખાતાના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. કમિશનરે આ મામલે તાત્કાલિક વિજિલન્સ તપાસ સોંપી દીધી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિની રીક્રિએશન કમિટીના ચેરમેન રાજેશ દવે દ્વારા પણ છેલ્લા કેટલાય સમયથી અનેક વિવાદાસ્પદ કામ મંજૂર કરવામાં આવ્યા છે. કેટલાક કોન્ટ્રાક્ટરો વિવાદમાં હોવા છતાં પણ આવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી અને બગીચા ખાતામાં કામગીરી ન થઈ હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે ત્યારે આવા કેટલાક વિવાદાસ્પદ કામોના લીધે કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ અને આ મામલે યોગ્ય તપાસ થશે.