સુરતઃ શહેરમાં સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. શહેરના વિકાસના કામોને ગતિ મળે તે માટે તમામ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત સુરતના ધારાસભ્યો અને મેયર હાજર રહ્યા હતા જેમાં આગામી પ્રોજેક્ટને લઈને તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના સર્કિટ હાઉસ ખાતે મ્યુનિની સંકલન સમિતિની બેઠક મળી હતી, આ બેઠકમાં શહેરમાં જે પ્રોજેક્ટ શરૂ થનારા છે. અથવા તો જે શરૂ છે. તેને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓને હાજર રખાયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં જ પ્રોજેક્ટની કામગીરીને લઈને માહિતી એકત્રિત કરવામાં આવી હતી. શહેરમાં
ઘણા સમયથી પર્યટન સ્થળ વિકસાવવાને લઈને નિર્ણયો લેવાય ચૂક્યા છે. પરંતુ, હજી સુધી તેમાં જોઈએ તેટલી સફળતા મળી નથી. ફરી એક વખત ડુમસ સી ફેઝને વિકસાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ડુમસને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે. જેમાં સહેલાણીઓ માટે સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જ્યાં રજા તેમજ તહેવારાના દિવસે લોકો વધુમાં વધુ આવે અને આનંદ લે તે માટે કામ શરૂ થશે.
આ ઉપરાંત આગામી દિવસોમાં સુરત મ્યુનિ.કોર્પોરેશનનું નવું વહીવટી ભવન બનવા જઈ રહ્યું છે તેને લઈને પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પ્રોજેક્ટમાં કઈ મુશ્કેલીઓ આવી રહી છે તેને કેવી રીતે દૂર કરવી તેને માટે પણ સંકલન કરવામાં આવ્યું છે. સુરતના રેલ્વે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. નવા ટેન્ડર પ્રક્રિયા બાદ કેટલા ઝડપથી કામની શરૂઆત કરી શકાય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. મેટ્રો ટ્રેનની કામગીરી વધુ ઝડપથી આગળ વધે તેના માટે પણ અધિકારીઓને મેટ્રો કોર્પોરેશન સાથે સંકલન કરવા માટે તાકીદ કરવામાં આવી છે.
રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી જણાવ્યું હતું. કે, સુરત શહેરમાં અલગ અલગ પ્રોજેક્ટ આગામી દિવસોમાં શરૂ થઈ રહ્યા છે. કેટલાક પ્રોજેક્ટ હાલ પ્રગતિ હેઠળ છે. એવા તમામ અંગે સંકલન બેઠક યોજવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિકારીઓ સાથે દરેક મુદ્દાને લઈને ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. સુરત શહેરને વિકાસ ખૂબ ઝડપથી થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.