અમદાવાદઃ શહેરમાં વસતી વધારાની સાથે વાહનોની સંખ્યામાં પણ અનેકગણો વધારો થયો છે. તેમજ ઉદ્યોગો,અને નવા બનતા બિલ્ડિંગો, રોડ-રસ્તાઓને કારણે એર પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. એર પ્રદુષણ ઘટાડવા માટે વધુને વધુ વૃક્ષો હોવા જરૂરી છે. પરંતુ શહેરના વિકાસના કાર્યોને લીધે છેલ્લા વર્ષોમાં અનેક વૃક્ષોને જડમુળમાંથી કાપવામાં આવ્યા છે. ત્યારે હવે હવાનું પ્રદુષણ અટકાવવા માટે શહેરના ગ્રીન કવરમાં વધારો કરવાની જરૂર છે, ત્યારે શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાસ યોજના બનાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં હવાનું પ્રદૂષણ નિયંત્રણમાં રાખવા માટે રાજ્ય સરકારે 2021-22 માટે 80 કરોડની ગ્રાન્ટ આપી હતી, જેમાંથી મિસ્ટ મશીન, સીએનજી સ્મશાનગૃહ, પ્રદૂષણ માપવા માટેનું મુવિંગ વ્હિકલ ખરીદવામાં આવશે. જ્યારે આ રકમનો ખર્ચ કરી શહેરમાં આગામી વર્ષે 15 ટકા જેટલું હવાનું પ્રદૂષણ ઘટાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ પહેલા અમદાવાદના કેટલાક વિસ્તારમાં હવાનું પ્રદૂષણ ખૂબ વધી ગયું હતું. જોકે ગયા વર્ષે 2020-21માં આ પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મ્યુનિ.ને 180 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી. જેનો મહત્તમ ઉપયોગ વોલ ટુ વોલ રસ્તા બનાવવા, પથ્થર પેવિંગ સહિતની કામગીરી માટે થયો છે. મ્યુનિ. આ રકમનો કેટલોક ખર્ચ ગાર્ડન વિભાગને પણ ફાળવશે જેથી વધુ વૃક્ષારોપણને કારણે હવા શુદ્ધ થાય. શહેરમાં છેલ્લા 5 વર્ષમાં કુલ 54.11 લાખ વૃક્ષો મ્યુનિ.એ વિવિધ ઝોનમાં વાવ્યા હતા. નોંધનીય છેકે, 2012માં મ્યુનિ. દ્વારા કરાયેલી વૃક્ષોની ગણતરી પ્રમાણે શહેરમાં માત્ર 6.18 લાખ જેટલા વૃક્ષો હતાં. શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ હાલ ઘટાડવા માટે વૃક્ષારોપણ મહત્વનું સાબિત થયું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં એર પ્રદુષણ ઘટાડવા માટે પાણી સ્પ્રિંકલ કરતું આ મશીન હવામાં ફેલાયેલા ધૂળના રજકણોને જમીન પર બેસાડી દેશે. હવામાંથી અશુદ્ધિઓ દૂર થતાં પ્રદૂષણની માત્રા ઘટશે. ઉપરાંત પ્રદૂષણ સેન્સર માપક મુવિંગ વ્હિકલ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં પ્રદૂષણનું સ્તર માપવામાં આવશે.