મનપા ચૂંટણીઃ કોંગ્રેસે 142 ઉમેદવારોના નામ કર્યા જાહેર, ટિકીટ કપાતા કેટલાક કાર્યકરોમાં નારાજગી
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા પાંચ મનપાના વિવિધ વોર્ડ માટે 142 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે અમદાવાદના ઉમેદવારોની યાદી હવે જાહેર કરવામાં આવશે. કોંગ્રેસે પાંચ મનપા માટે ઉમેદવારોની પસંદગીની યાદી જાહેર કરતા વિકિટ વંચિત રહેલા નેતાઓં નારાજગી ફેલાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાંચ મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી છે. સુરતમાં 52, વડોદરામાં 20, રાજકોટમાં 22, જામનગરમાં 27 અને ભાવનગરમાં 21 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસમાં ઉમેદવારોની યાદી જાહેર થયા પછી ટિકીટ વંચિત નેતાઓની નારાજગી સામે આવી હતી.. સુરત અને રાજકોટમાં કાર્યાલય બહાર કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. રાજકોટમાં પણ ટિકિટ મુદ્દે પક્ષની અંદર આંતરકલહ જોવા મળ્યો હતો. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતી શકે તેવા જ ઉમેદવારોની પંસદગી કરી હોવાનો કોંગ્રેસના આગેવાને દાવો કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત છ મહાનગરપાલિકામાં તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. જેની મતગણતરી તા. 23મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી તથા એવૈસી પણ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતારશે. જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામવાની શકયતા છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક મગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની ચાર યાદી જારી કરી છે. જ્યાં પાર્ટી બધી બેઠકો પર પહેલી વાર ચૂંટણી લડી રહી છે.