Site icon Revoi.in

વડોદરામાં રખડતા ઢોર પકડવા ગયેલા મ્યુનિ.ના કર્મચારીઓ પર પશુપાલકોએ કર્યો હુમલો

Social Share

વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરનો ફરી ત્રાસ વધતો જાય છે. વરસાદી સીઝન હોવાને કારણે પશુપાલકો તેમના ઢોર છૂટા મુકી દેતા હોવાથી ઢોર રોડ પર અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. તેના લીધે રાહદારીઓ અને ટ્રાફિકને પણ અડચણ થઈ રહી છે. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે  શહેરની ગોલ્ડન ચોકડી પાસે ઢોર પકડવા ગયેલી મ્યુનિ.ના ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે પશુપાલકોએ ઝપાઝપી કર્યા બાદ લાકડીથી હિંસક હુમલો કર્યો હતો.અને એક કર્મચારીને છુટ્ટો પથ્થર મારીને માથું ફોડી નાંખતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે અન્ય એક કર્મચારીને હાથમાં લાકડી મારતા તેને ફ્રેક્ચર થયું હતું. હરણી પોલીસે પશુપાલક સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના માંજલપુર ખાતે આવેલા સુદર્શન ટાઉનશીપમાં રહેતા પ્રદિપ તુકારામ જાધવ મ્યુનિમાં દબાણ-સિક્યુરીટીમાં ઈન્પેક્ટર તરીકે નોકરી કરે છે. પ્રદિપ જાદવ પોતાના સ્ટાફ અને પોલીસ કર્મીઓ સાથે ઢોર પકડવાની કામગીરી માટે નિકળ્યા હતા. ત્યારે તેઓ ગોલ્ડન ચોકડીએ પહોંચતા બે પશુઓ દેખાતા તેઓ તેને પકડવાની કામગીરી કરતા હતા. તે દરમિયાન ત્યાં ત્રણ પશુપાલકો આવી ગયા હતા અને તેમાંથી બે પશુપાલકોએ ડાંગ અને ચપ્પુ લઈને ઢોર પાર્ટીના કર્મચારી પર હુમલો કર્યો હતો. અને પ્રદિપ જાધવ પર ડાંગ વડે કમરના ભાગે હુમલો કર્યો હતો અને અન્ય કર્મચારીઓ પર પણ હુમલો કર્યો હતો. જેના કારણે તેઓને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત એક પશુપાલકે ઢોર પકડ પાર્ટીના એક કર્મચારીને માથા પર પથ્થર મારતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઢોર પાર્ટીના કર્મચારીઓ પર હુમલો થતાં આસપાસના લોકો ત્યાં આવી જતા પશુપાલકો બાઈક મૂકીને ભાગી ગયા હતા. ઢોર પાર્ટીના કર્મચારીઓને ઈજા પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ઢોર પાર્ટીના સિક્યુરિટી ઇન્સ્પેક્ટર પ્રદિપ જાધવે આ બાબતે સમા પોલીસ મથકમાં ત્રણ પશુપાલકો સામે ફરિયાદ નોંધાવી હતી.