Site icon Revoi.in

અમદાવાદમાં મ્યુનિ.ના એસ્ટેટ અધિકારીઓ પણ નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને લોક મારશે

Social Share

અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વિસ્તાર પણ વધ્યો છે. સાથે વાહનોની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. વાહનોની સંખ્યા વધવાને કારણે શહેરમાં પાર્કિંગનો પ્રશ્ન વિકટ બન્યો છે. જાહેર રસ્તાઓ પર લોકો પોતાના વાહનોને ગમે ત્યાં પાર્ક કરવા લાગ્યા છે. તેના લીધે ટ્રાફિકના પ્રશ્નો પણ ઊભા થયા છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોનમાં પાર્ક થયેલા વાહનોને લોક મારવામાં આવે છે, અથવા ટોઈંગ કરવામાં આવે છે. ત્યારે હવે મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને દબાણની વ્યાખ્યામાં ગણીને લોક મારીને દંડ વસુલવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના જાહેર માર્ગો પર કેટલાક વાહનચાલકો પોતાનું વાહન ગમે ત્યાં પાર્ક કરીને જતાં રહેતા હોય છે. તેના લીધે ટ્રાફિક નિયમનને અસર પડતી હોય છે. હવે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનોને માત્ર ટ્રાફિક પોલીસ જ નહીં પણ મ્યુનિ.ના એસ્ટેટ વિભાગના અધિકારીઓ પણ લોક મારીને દંડ વસુલ કરશે. ટ્રાફિક પોલીસ ઉપરાંત હવે મ્યુનિ.નું એસ્ટેટ ખાતું પણ રોડ ઉપર પાર્ક કરેલી મોટરકારને દબાણ-અડચણરૂપ ગણીને લોક મારી દંડ વસૂલ કરશે. મ્યુ

નિ. એસ્ટેટ ખાતાનાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, BPMC એક્ટ અન્વયે રોડ ઉપર ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા લારીગલ્લા અને ફેરિયા ઉપરાંત વાહનોને પણ દબાણની વ્યાખ્યામાં ગણીને દંડ-વહીવટી ચાર્જ વસૂલ કરવાની સત્તા છે. આ સત્તાનો ઉપયોગ કરવા માટે થોડા સમય અગાઉ વાહન લોક ખરીદીને સાતેય ઝોનનાં એસ્ટેટ ખાતાને આપવામાં આવ્યા હતા, પરંતુ દબાણ વિભાગને આવી કામગીરીમાં રસ ન હોવાથી વાહન લોક ધૂળ ખાતા હતા. જોકે, તાજેતરમાં મ્યુનિ.નાં ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં રોડ ઉપર પાર્ક થતી મોટરકારથી ટ્રાફિકને અડચણ થતી હોવાની ચર્ચા થઇ હતી અને તેમાં ટ્રાફિક પોલીસ સિવાય મ્યુનિ. દબાણ ખાતાને પણ કામે લગાડવાનો નિર્ણય લઈ દરેક ઝોનનાં એસ્ટેટ ખાતાને મોટા રોડ ઉપર દબાણ કરતા વાહનોને લોક મારી વહીવટી ચાર્જ વસૂલ કરવાની સૂચના અપાઇ હતી. જેના પગલે પશ્ચિમ ઝોન એસ્ટેટ ખાતાએ ગુરૂવારે સીજી રોડ તનિષ્ક ચાર રસ્તાથી સી.એ.સર્કલ સુધીનાં રોડ ઉપર બિનઅધિકૃત રીતે પાર્ક થયેલી 22 મોટરકાર જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ ખાતાએ થલતેજ, બોડકદેવ વિસ્તારમાં સાલ ચાર રસ્તાથી હિમાલયા મોલ સુધીનાં રોડ ઉપર 20 મોટરકારને લોક મારી અનુક્રમે રૂ. 11 હજાર અને રૂ. 10 હજાર મળી કુલ રૂ. 21 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો હતો.