અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના 22 જેટલાં કિંમતી પ્લોટ્સ હવે ભાડે આપવાને બદલે વેચાણથી આપીને આવક ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં કાયદાકીય અભિપ્રાય સાથે અધિકારીઓએ કરેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે મ્યુનિ. પ્લોટ 99 વર્ષના ભાડાપટાની સાથે વેચી પણ શકશે.અગાઉ કેટલાક પ્લોટના વેચાણ માટે મ્યુનિ.એ પ્રયાસ કર્યો હતો છતાંયે વેચાયા ન હતા. 21 જૂને 22 પ્લોટની હરાજી કરાશે. જેનાથી મ્યુનિ.ને 2250 કરોડની આવક થશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના 22 જેટલા કિંમતી પ્લોટ્સ આવેલા છે. જેમાં ચાંદખેડાના 5, બોડકદેવના 3, નિકોલના 3, મકરબાના 2, શીલજ, વસ્ત્રાલ, વટવા, મુઠીયા, મોટેરા, ઈસનપુર અને નારોલના એક-એક પ્લોટની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. આગામી 21 જૂને આ તમામ પ્લોટનું હરાજીથી વેચાણ કરાશે. મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીએ પણ પ્લોટ્સ વેચવાના નિર્ણયને બહાલી આપી દીધી છે.
એએમસીના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિ.ના પ્લોટની હરાજીમાં ભાગ લેવા માટે રસ દાખવનાર દુબઈના લુલુ મોલના સંચાલકોએ પ્લોટ 99 વર્ષના ભાડાપટાને બદલે કાયમી વેચાણથી આપવા માટે માગ કરી હતી. અગાઉ પણ ગાહેડ અને ક્રેડાઇએ આ પ્રકારની માગ કરી હતી. જેથી સરળતાથી આ પ્લોટનું ખરીદ વેચાણ થઇ શકે. જ્યારે 99 વર્ષના ભાડાપટાને કારણે સરળતાથી આ પ્લોટના ખરીદ વેચાણ બાબતે મુશ્કેલી પડે છે. આ તમામ સ્થિતિ વચ્ચે અધિકારીઓ હાઈકોર્ટના એડવોકેટ દ્વારા એવો સ્પષ્ટ અભિપ્રાય અપાયો હતોકે, તેઓ પ્લોટનું વેચાણ કરી શકે છે. અગાઉ પણ આ પ્રકારે પ્લોટનું વેચાણ કરાયું હતું. જે તમામ બાબતોને ધ્યાને લઈ સ્ટેન્ડિંગે દરખાસ્ત મંજૂર કરી છે.