અમદાવાદઃ શહેરમાં નાગરિકો પાસેથી એકત્રિત કરાતો ભીનો અને સુકો કચરો અલગ આપવા મ્યુનિ. દ્વારા વારંવાર વિનંતી કરવામાં આવતા હોય છે. પરંતુ શહેરના ઘણા નાગરિકોમાં આ અંગે જાગૃતિ નથી. મ્યુનિ.દ્વારા નાગરિકોને બે ડસ્ટબીન ફાળવવાની યોજના બનાવવામાં આવી હતી. હવે મ્યુનિ. દ્વારા આજથી ભીનો અને સુકો કચરો અલગ ઉઘરાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ઘરોમાંથી અપાતો ભીનો-સૂકો કચરો અલગ તારવીને આપવા 2019 પછી ફરી એકવાર મ્યુનિ. કમિશનરે પ્રયાસ શરૂ કર્યા છે. વિવિધ ઝોનમાં આ માટે કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. મંગળવારથી ત્રણ દિવસ 30 હજારથી વધારે કર્મચારીઓ આ અભિયાનમાં જોડાશે. 2016માં સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ ભીનો-સૂકો કચરો અલગ આપવા ઝુંબેશ શરૂ કરાઈ હતી. 6 વર્ષ પછી પણ તેને સફળતા મળી ન હોવાથી હવે નવેસરથી એકડો ઘૂંટવામાં આવશે. મ્યુનિ. કમિશનરે પરિપત્ર જાહેર કરીને જણાવ્યું હતું કે, શહેરમાં સફાઈ કર્મચારી સવારે ગાર્ડનમાં આવતા લોકોને સમજાવશે તેમજ મ્યુનિ.ના કર્મચારીઓ સોસાયટીઓમાં જઈને પણ લોકોને સમજ આપશે. આ ઉપરાંત શાકભાજી માર્કેટમાં પાથરણાંવાળાને પણ સમજાવવામાં આવશે. વેપારી મંડળો, મોટા મોલ, ધાર્મિક સ્થાનોમાં પણ આ બાબતે સમજ આપવામાં આવશે. હોટલ- રેસ્ટોરામાંપણ નાગરિકોને આ બાબતે સમજ આપવામાં આવશે. સોસાયટીઓમાં રાત્રે બેઠકો કરીને પણ સમૂહ ચર્ચાનું આયોજન કરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં વર્ષ 2019માં પણ મ્યુનિ.કમિશનર દ્વારા આ રીતે ભીનો-સૂકો કચરો અલગ માટે એક અભિયાન હાથ ધર્યું હતું. જે સમયે અલગ અલગ કચરો આવવાનો અનેક વિસ્તારમા શરૂઆત થઇ હતી. જ્યારે આ વખતે પણ મેગા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ભીનો-સૂકો કચરો તારવીને આપવામાં આવે તો પીરાણા ડમ્પ સાઈટ પર ભીનો અને સુકો કચરો અલગ પાડવાની કવાયત કરવી પડે નહીં.